(એજન્સી) તા.૧૩
૬૦ નિવૃત્ત અધિકારીઓએ કેગને પત્ર લખી તેના પર આક્ષેપ કર્યા હતા કે તે નોટબંધી અને રાફેલ સોદા વિશેના ઓડિટ રિપોર્ટ જાહેર કરવામાં ‘ઈરાદાપૂર્વક’ વિલંબ કરી રહ્યો છે, કે જેથી એનડીએ સરકાર માટે આગામી સામાન્ય ચૂંટણી પહેલાં વિકટ પરિસ્થિતિ ઊભી ન થાય. તેમણે પત્રમાં કહ્યું હતું કે, નોટબંધી અને રાફેલ વિમાનોના સોદા અને ઓડિટ રિપોર્ટ જાહેર કરવામાં થઈ રહેલો અસ્વભાવિક અને કારણ વગરનો વિલંબ ચિંતા ઉત્પન્ન કરે છે અને શિયાળુ સત્રમાં તેમને સંસદ સમક્ષ જાહેર કરવા જોઈએ. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે યોગ્ય સમયે નોટબંધી અને રાફેલ સોદા વિશે ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં નિષ્ફળતાને એક પક્ષપાત ધરાવતા પગલાં તરીકે જોવામાં આવશે અને તેના લીધે સંસ્થાની પ્રતિષ્ઠા વિશે પ્રશ્નો ઊભા થશે. જો કે કેગ દ્વારા આ પત્ર વિશે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. આ પત્ર પર હસ્તાક્ષર કરનાર નિવૃત્ત અધિકારીઓમાં પંજાબના પૂર્વ ડીજીપી જુલિયો રિબેરો, પૂર્વ આઈએએસ અધિકારી અને હાલમાં સામાજિક કાર્યકર તરીકે જાણીતા અરૂણ રોય, પુણેના પૂર્વ પોલીસ કમિશનર મીરન બોરવંકર, પ્રસાર ભારતીના પૂર્વ સીઈઓ જવાહર સરકાર સહિત અન્ય નિવૃત્ત અધિકારીઓ છે. પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે સપ્ટેમ્બર ર૦૧૮ સુધી રાફેલ સોદા વિશે ઓડિટ રિપોર્ટ આવી જવાના અહેવાલો હતા પરંતુ અત્યારસુધી કેગ દ્વારા સંબંધિત ફાઈલો ચકાસવામાં આવી ન હતી. તેમણે પત્રમાં કહ્યું હતું કે ટુજી, કોલસા આદર્શ, કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ પર કેગના અહેવાલોથી લોકોનું માનસ પ્રભાવિત થયું હતું અને વિવિધ તબક્કાઓમાં કેગની પ્રશંસા થઈ હતી.