(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી પહેલાં જણાવ્યું હતું કે ૩૬ રાફેલ ફાઈટર જેટના સોદા માટે ભારતીયોની ટીમની રચના કરાઈ હતી. જેમણે વાતચીત કરી સારી રીતે સોદો પાર પાડ્યો હતો. જે સોદો કિંમત અને જાળવણીના મુદ્દે આ પહેલાંની યુપીએ સરકારની સરખામણીમાં વધુ યોગ્ય અને ઉત્તમ છે. સોમવારે સરકારે સુપ્રીમ કોર્ટના આદેશના પગલે આ રિપોર્ટનો સુધારેલ સંસ્કરણ અરજદારોને આપ્યો હતો જે અરજદારો રાફેલ સોદાની તપાસ સીબીઆઈ પાસેથી કરાવવા માગે છે. સરકાર દ્વારા અપાયેલ દસ્તાવેજમાં વિમાન ખરીદીની પ્રક્રિયાની વિગતો જણાવેલ છે. ૧૬ પાનાના દસ્તાવેજમાં સરકારે જણાવ્યું છે કે, અમે એર સ્ટાફના નાયબ અધ્યક્ષની આગેવાની હેઠળ એક ટીમની રચના કરી હતી જેમણે દસોલ્ટ કંપની સાથે એક વર્ષ સુધી ચર્ચા વિચારણાઓ કરી હતી. ટીમે પોતાનો રિપોર્ટ જુલાઈ ર૦૧૬માં સરકાર સમક્ષ મૂક્યો હતો અને આ સોદાને સુરક્ષા અને રક્ષા કાઉન્સિલની કેબિનેટ કમિટીએ મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે સરકારે આ રિપોર્ટ અરજદારોને આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે, રિપોર્ટમાં સંવેદનશીલ માહિતી નહીં આપવામાં જેથી દેશની સુરક્ષાને ખતરો હોઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જે વિગતો કાયદેસર રીતે જાહેર કરવા જેવી હોય એ વિગતો જાહેર કરવામાં આવે. કોર્ટ આ કેસની સુનાવણી આ અઠવાડિયામાં પછીથી કરવાની છે, કોર્ટે સરકારને કિંમત અને વિમાનોની વિગતો પણ જણાવવા કહ્યું હતું. એનડીએ સરકારે વિમાનની કિંમતો જણાવી નથી પણ કહ્યું હતું કે, અમે યુપીએ સરકારનો ર૦૧રનો સોદો રદ કર્યો હતો કારણ કે એ યોગ્ય ન હતો. પૂર્વ રક્ષામંત્રી પાર્રિકરે ઉપરોક્ત નિવેદન આપ્યો હતો.