(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
સુપ્રીમ કોર્ટે સરકારને જણાવ્યું છે કે, રાફેલ ખરીદવાના નિર્ણ્યમાં કઈ પ્રક્રિયાઓ અનુસરવામાં આવી હતી એની સંપૂર્ણ વિગતો અમને સીલબંધ કવરમાં આપો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે અમે કિંમત અને ટેકનિકલ વિગતો નથી માગતા. અરજદાર એમ એલ શર્માએ આક્ષેપો મૂક્યા હતા કે પ૯૦૦૦ કરોડ રૂપિયાના સોદામાં ભ્રષ્ટાચાર થયું છે. જો કે, કોર્ટે સ્પષ્ટતા કરી કે અમે અરજીમાં કરાયેલ આક્ષેપોને ધ્યાનમાં નથી લેતા. આ સોદાની જાહેરાત વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ હોલાન્દેએ ર૦૧૬માં કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું અમે સરકારને નોટિસ નથી મોકલાવતા. અમોએ અરજદારની દલીલો ધ્યાનમાં નથી લીધી. એમની દલીલો સંપૂર્ણપણે અપૂરતી છે. અમે પોતાની સંતુષ્ટિ માટે સોદાના નિર્ણય બાબત જાણવા માગીએ છીએ. આ મુદ્દાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અમે અમને જે વિગતો જોઈએ એની જ માગણી કરીએ છીએ. સરકારે રાફેલ સોદા અંગે દાખલ થયેલ અરજીઓનો વિરોધ કરતા કહ્યું કે, ફક્ત રાજકીય મહત્ત્વ મેળવવા માટે અરજી કરાઈ છે. એટોર્ની જનરલે કહ્યું કે, રાફેલ સોદો રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલ છે અને આવા મુદ્દાઓને ન્યાયિક રીતે પુનઃવિચાર નહીં કરી શકાય. આ મુદ્દા સાથે રાષ્ટ્રની સુરક્ષા સંકળાયેલ છે અને કોર્ટની આડમાં રાજકીય લાભ લેવા સરકાર અને વિપક્ષો વચ્ચે લડાઈ ચાલી રહી છે. એટોર્ની જનરલે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સમજૂતિઓ ન્યાયિક વિચારથી મુક્ત છે. આ મુદ્દો ન્યાયિક રીતે પુનઃવિચાર માટે મૂકી શકાય નહીં. કોર્ટ આંતરરાષ્ટ્રીય સમજૂતિમાં દખલગીરી નહીં શકે. આંતરરાષ્ટ્રીય સમજૂતિમાં ઘરેલું કોર્ટ હસ્તક્ષેપ કરે એ યોગ્ય નથી.