(એજન્સી) પેરિસ, તા.૨૪
ફ્રાન્સની એક ભ્રષ્ટાચાર નિરોધી એનજીઓએ ભારતની સાથે થયેલા રાફેલ ડીલને લઇને દેશના નાણાકીય મામલોના પ્રૉસીક્યૂટર ઓફિસમાં એક ફરિયાદ નોંધાવી છે અને આ મામલામાં તપાસ કરવાની માંગણી કરી છે. શેરપા નામની આ એનજીઓ આર્થિક ગુનાઓ વિરુદ્ધ કાયદાકીય લડત લડે છે. એનજીઓએ પોતાની ફરિયાદમાં પૂછવામાં આવ્યું છે કે કઇ પરિસ્થિતિઓમાં ૩૬ ફાઇટર જેટ માટે ભારતની સાથે સમજૂતી થઇ અને અનિલ અંબાણીની કંપનીને ડીલ માટે પસંદ કરવા પાછળનું શું કારણ હતું ?
ફ્રેંચ ન્યૂઝ વેબસાઇટમાં છપાયેલા અહેવાલ અનુસાર, એનજીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર અને મની લૉન્ડ્રિંગની શંકા જાહેર કરવામાં આવી છે. એનજીઓએ આશા સેવી છે કે રાષ્ટ્રીય પબ્લિક પ્રૉસીક્યૂટર ઓફિસ તેની તપાસ કરશે અને જલ્દીથી તેઓ કોઇ નિર્ણય પર પહોંચશે. ફરિયાદ ઓક્ટોબરના અંતિમ અઠવાડિયામાં કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી એવું સ્પષ્ટ થઇ શક્યું નથી કે તપાસ શરૂ થઇ છે કે નહીં. રાફેલ ડીલનો મુદ્દો હાલ દેશમાં હોટફેવરિટ છે. હાલ ભારતમાં વિપક્ષી પાર્ટીઓએ સરકાર ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ પાર્ટીએ સરકારને સવાલ પૂછ્યો છે કે અનિલ અંબાણીની કંપનીના ઓફસેટ પાર્ટનરના રૂપમાં પસંદ કરવાનું શું કારણ હતું. જો કે દસૉલ્ટ અને સરકાર બન્ને જણાએ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી દીધા હતા. તમને જણાવી દઇએ કે, રાફેલ ડીલ ૨૦૧૬માં કરવામાં આવી હતી. આ મુદ્દાએ તે વખતે આગ પકડી હતી જ્યારે ફ્રાંસના તત્કાલિન રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે કહ્યું હતું કે, તેમની પાસે અનિલ અંબાણીની કંપનીને પસંદ કરવા સિવાય કોઇ વિકલ્પ નહોતો.