(એજન્સી) નવી દિલ્હી, તા.૮
ભારત-ફ્રાન્સ વચ્ચેના વિવાદાસ્પદ રાફેલ જેટ ફાઈટર સોદા પર મનાઈ હુકમ માંગતી વકીલ મનોહર લાલ શર્માની જાહેરહિતની અરજીની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઈ છે. અરજીમાં વડાપ્રધાન મોદીને પહેલાં પ્રતિવાદી તરીકે બતાવ્યા છે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી ન્યાયમૂર્તિ એ.એમ.ખાનવેલકર તેમજ ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડની ખંડપીઠે વકીલ મનોહરલાલ શર્માની અરજી અંગે વિચારણા કરી હતી અને તેની વહેલી સુનાવણીની ખાતરી આપી હતી. અરજીમાં વકીલ શર્માએ ફ્રાન્સ સાથેના જેટ રાફેલ સોદામાં ગરબડનો આરોપ મૂકી તેના પર મનાઈ હુકમની માગણી કરી હતી.
અરજીમાં વધુમાં જણાવાયું છે કે, રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર થયો છે. કોઈપણ કારણ વગર અગાઉની સમજૂતીને રદ કરી નવી સમજૂતી કરી હતી. જેને સંસદે માન્યતા આપી નથી. જે કાવતરાનો સંકેત આપે છે. તેથી સુપ્રીમ કોર્ટ દ્વારા વિશેષ તપાસ ટીમ સીટની રચના કરી તેની તપાસ થાય. જ્યાં સુધી સીટની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી જેફ રાફેલ સમજૂતી રદ કરવી.
વિપક્ષોએ ફાઈટર જેટ રાફેલ સોદાને રાફેલ કાંડ બતાવી તેની જેબીસી દ્વારા તપાસની માગણી કરી હતી. આ ડીલના મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. એપ્રિલ-૧પમાં વડાપ્રધાન મોદીએ ૩૬ રાફેલ જેટ વિમાનો ખરીદવાની જાહેરાત કરી હતી. એક રાફેલ જેટની કિંમત ૧૬૭૦.૭ કરોડ રખાઈ હતી.