(એજન્સી) જયપુર, તા.ર૯
રવિવારે જયપુરમાં યોજાયેલ ચૂંટણી રેલી દરમિયાન આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે.
કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, આલોક વર્માની હકાલપટ્ટી અને રાફેલ સોદા વચ્ચે સીધો જ સંબંધ છે. સીબીઆઈ વિરૂદ્ધ સીબીઆઈ અંગેના પગલાં ભરવાની પાછળ બીજું કોઈ જ કારણ નથી. મોદીએ મારી વિરૂદ્ધ સીબીઆઈ તપાસ શરૂ કરાવી હતી. તો તેઓ રાફેલ અંગેની તપાસ સીબીઆઈ પાસે શા માટે નથી કરાવતા ? તેઓ શું છૂપાવવા ઈચ્છે છે ? રાફેલ એ મોદી દ્વારા ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલ ફાઈટર જેટ (લડાકુ વિમાન) છે. જેની કિંમત પપ૦ કરોડની છે અને મોદીએ તેને ૧૬૦૦ કરોડમાં ખરીધ્યું છે. તે શું છે ? તે ૩૬,૦૦૦ કરોડનું કૌભાંડ છે. મોદીએ અડધી રાત્રે ૩ કલાકે આલોક વર્માની હકાલપટ્ટી શા માટે કરી કારણ કે આલોક વર્માએ બીજા દિવસે ૧૦ કલાકે રાફેલ સોદા અંગેની તપાસ શરૂ કરવાનું નક્કી કર્યું હતું અને તેથી જ તેમણે રાત્રે વર્માની હકાલપટ્ટી કરી નાખી.
જયપુરના રામલીલા મેદાનમાં યોજાયેલી રેલીમાં આમ આદમી પાર્ટીએ આગામી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઓ અંગે તેના ઘોષણાપત્રની પણ જાહેરાત કરી. આપે સરકાર પર પાક વીમા યોજના અંગે પણ આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલની જયપુરમાં યોજાયેલી રેલીમાં માત્ર થોડી જ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.