(એજન્સી) તા.ર૪
કથિત રાફેલ કૌભાંડ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારોને વધુ આક્રમક બનાવતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને “કમાન્ડર-ઈન-થીફ” કહીને સંબોધ્યા હતા. સોમવારે કરેલા એક ટ્‌વીટમાં રાહુલ ગાંધીએ આ શબ્દસમૂહનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ફ્રાંસના પૂર્વ પ્રમુખ ઓલાન્દેએ એક ન્યૂઝ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે રાફેલ સોદામાં રિલાયન્સને ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ મોદી સરકાર તરફથી આવ્યો હતો. ઓલાન્દેએ કહ્યું હતું કે, અમારી પાસે કોઈ વિકલ્પ નહતો. અમારી પાસે આ વિષય પર બોલવા માટે શબ્દો નથી. ભારત સરકારે અમને આ સર્વિસ પ્રોવાઈડરના નામનું સૂચન કર્યું હતું. અમે સોદામાં ભારત સરકારે અમારા માટે પસંદ કરેલા ભાગીદારને લઈ લીધો. કોંગ્રેસ પ્રમુખે ઓલાન્દેના આ નિવેદન વિશેનો વીડિયો ટ્‌વીટ કરી કેપશનમાં લખ્યું હતું કે, “ભારતના કમાન્ડર-ઈન-થીફનું દુઃખદ સત્ય.” બીજી તરફ ભાજપે વળતો પ્રહાર કરતાં રાહુલ ગાંધીને ‘દિશાવિહોણા’ નેતા ગણાવ્યા હતા. ભાજપે વિપક્ષી નેતાઓની સરખામણી પાકિસ્તાની નેતાઓ સાથે કરતાં કહ્યું હતું કે, બન્ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના રાજકારણમાંથી દૂર કરવા માંગે છે.