(એજન્સી) બેંગલુરૂ, તા.૧૯
કર્ણાટકના નામાંકિત થિયેટર આર્ટિસ્ટ એસ.રઘુનંદનાએ ગુરૂવારે સંગીત નાટક અકાદમી પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. મોબ લિંચિંગ એટલે ‘માર મારીને લોકોની હત્યા અને ભગવાન તેમ જ ધર્મના નામે થનારી હિંસક ઘટનાઓના વિરોધમાં અને સામાજિક કાર્યકરોનો અવાજ દબાવવાના પ્રયાસ સામે તેમણે આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો છે.’ નિવેદનમાં રઘુનંદનાએ જણાવ્યું કે જ્યારે ઇમાનદાર લોકો સામે અન્યાય કરવામાં આવી રહ્યો છે તો તેઓ આવી પરિસ્થિતિમાં પુરસ્કારનો સ્વીકાર કરી શકે નહીં. પુરસ્કારની જાહેરાત થયાના બે દિવસ બાદ તેમણે કહ્યું કે મારો અંતરઆત્મા અને મારા અંતર્યામી મને અનુમતી આપતા નથી. તેમણે પુરસ્કાર લેવાનો ઇનકાર કરવા બદલ માફી માગતા જણાવ્યું કે એક કવિ અને નાટક લેખક હોવાને નાતે તેઓ પુરસ્કાર સ્વીકાર કરી શકે નહીં. કારણ કે દેશમાં સારા લોકો સાથે દેશના નામે અન્યાય થઇ રહ્યો છે. જોકે, તેમણે આ પુરસ્કાર માટે આભાર પણ માન્યો. તેમણે કહ્યું કે સંગીત નાટક અકાદમી એક સ્વાયત્ત સંસ્થા છે અને રહેશે. આ સંપૂર્ણપણે લાંબા સમયથી સ્વાયત્તતાના પોતાના સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે. તેમણે કહ્યું કે આજે ભગવાન અને ધર્મના નામે લોકોને માર મારીને મારી નાખવામાં આવે છે અને હિંસા થઇ રહી છે. એટલે સુધી કે કોણ શું ખાય છે, તેના વિશે પણ આવું થઇ રહ્યું છે. સત્તા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હત્યા અને હિંસા માટે જવાબદાર છે.