(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
વધતા જતા એનપીએનો અભ્યાસ કરી રહેલ સંસદની સમિતિએ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને એમની સમક્ષ હાજર રહી આ વિષે માહિતી આપવા જણાવ્યું છે. આ પહેલાં પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે એનપીએ સંકટના ઉકેલ માટે સંસદીય સમિતિ સમક્ષ રાજનની પ્રશંસા કરી એમની મદદ લેવા કહ્યું હતું. સૂત્રોએ કહ્યું કે આના પછી સમિતિના અધ્યક્ષ જોષીએ રાજનને પત્ર લખી સમિતિ સમક્ષ હાજર રહી સભ્યોને વધતા એનપીએનો ઉકેલ લાવવા માહિતી આપવા જણાવ્યું હતું. ર૦૧૬ સુધી રિઝર્વ બેંકના ગવર્નર રહ્યા પછી રાજન હાલ શિકાગોની યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. અત્રે નોંધનીય છે કે રઘુરામ રાજને કેટલાક પ્રસંગોએ મોદી સરકારની આર્થિક નીતિઓની આલોચના કરી હતી. રાજને કહ્યું હતું નોટબંધીનો નિર્ણય સમજી વિચારી કરવામાં આવ્યો ન હતો. જી.એસ.ટી. બાબત એમણે કહ્યું હતું આને વધુ સારી રીતે લાગુ કરી શકાયો હોત.
૩૧મી ઓક્ટોબર ર૦૧પમાં રાજને આઈઆઈટી દિલ્હીમાં એક સંબોધનમાં કહ્યું હતું કે દેશમાં અસહિષ્ણુતા વધી રહી છે. જેના લીધે એમની આલોચનાઓ થઈ હતી.