(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૮
પુણા-કુંભારિયા રોડ ખાતે આવેલ રઘુવીર સેલ્યુમ ટેક્ષટાઇલ માર્કેટમાં સવારે ૭માં માળે અચાનક જ ઇલેકટ્રોનિક ડીપીમાં શોર્ટ સર્કીટના કારણે આગ ફાટી નિકળતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે કાપડનો જથ્થો બળી જતાં તેના ધુમાડા બીજા માળ સુધી પ્રસરી ગયા હતા. જેને લઇને ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરો ૧૫થી વધુ ગાડીઓ અને હાઇડ્રોલીંક પ્લેટફોર્મ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ મોટી હોવાના કારણે તેને મેજર કોલ જાહેર કરાયો હતો. આ અંગે ફાયર બ્રિગેડના ઓફિસરે પ્રાથમિક તબક્કે જાણકારી આપતાં કહ્યું હતું કે, આગ સાતમાં માળે લાગી હતી. જ્યાંથી ધૂમાડા બીજા માળ સુધી પ્રસર્યા હતા. ધૂમાડાને બહાર કાઢવા માટે બારીઓના કાચ તોડવાની ફરજ પડી હતી. જો કે, આગ પર કાબૂ મેળવીને કૂલિંગનું કામ ચાલું કરવામાં આવ્યું છે. રઘુકુળ ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે, આગ સૌ પ્રથમ સાતમાં માળે પેસેજમાં આવેલા ઈલેક્ટ્રીક ડકમાં આગ લાગી હતી. ઈલેક્ટ્રીક ડીપીમાં પાવરનો મેન સપ્લાય આવતો હોવાથી ત્યાંથી આગ લાગતાં આગના ધૂમાડા અન્ય ફ્લોરમાં પણ પ્રસર્યા હતા. સવારના સમયે લોકો ઓછા પ્રમાણમાં હોવાથી તમામને સલામત રીતે નીચે ઉતારીને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.