(એજન્સી) લંડન, તા. ૨૭
ટોચના પાકિસ્તાની પ્લેબેક અને કવ્વાલી ગાયક રાહત ફતેહઅલી ખાનને પ્રતિષ્ઠિત ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બુધવારે માનદ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. અહેવાલો અનુસાર યુનિવર્સિટીમાં બુધવારે બપોરે એક સમારોહ દરમિયાન પાકિસ્તાની ગાયકને સંગીતના ડોક્ટરની ડિગ્રી આપવામાં આવી હતી. રાહત ફતેહઅલી ખાને ટિ્‌વટર પર લખ્યું કે, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સન્માન મળતા હું ગૌરવ અનુભવી રહ્યો છું જે જે વિશ્વવિખ્યાત શૈક્ષણિક સંસ્થા છે. મારા પરિવાર અને મારા માટે આ અત્યંત ખાસ દિવસ છે સાથે જ મારા પ્રશંસકો માટે પણ જેમણે આ પ્રવાસમાં મને સાથ આપ્યો. આ સન્માન મારા માટે એક મોટી સિદ્ધી છે અને હું ખુશ છું કે મારા સંગીતે મને આ અનેરી ઊંચાઇએ પહોંચવાની તક આપી. આ પ્રસંગે રાહત ફતેહઅલી ખાને સ્ટેજ પર પરફોર્મ પણ કર્યું હતું. આ વર્ષે આવા સન્માન મેળવનારા આઠ લોકોમાં રાહતનો સમાવેશ થાય છે. રાહતને એવોર્ડ એનાયત કરતા સમયે ઓક્સફર્ડે તેમને પાકિસ્તાની ગાયક અને સૂફી કવ્વાલી ગાયક ગણાવ્યા હતા. સંગીત પરિવારમાં જન્મની સાથે જ રાહતે સાત વર્ષની ઉંમરથી ગીતો ગાવાનું ચાલુ કર્યું હતું અને આજે તેમના ૫૦થી વધુ આલ્બમ છે. તેઓ વિશ્વમાં અનેક જગ્યાએ પોતાના ગીતોની છાપ છોડી ચુક્યા છે તેમ ઓક્સફર્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. રાહતે ટીવી સિરિયલ્સના ૫૦ તથા ૧૦૦થી વધુ હોલિવૂડ અને બોલિવૂડ ફિલ્મના ગીતો ગાયા છે.