(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૨૩
શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ સોસાયટીનાં રહીશો વી.આઇ.પી. વિસ્તારનાં રહીશો જેટલું જ વેરો ભરતા હોવા છતાં આ વિસ્તારમાં મહાનગર પાલિકા દ્વારા કોઇ પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી. આ વિસ્તારનાં રહીશોને નર્કાગાર જેવી સ્થિતિમાં રહેવું પડી રહ્યું છે. શહેરમાં આવેલ પુર વખતે પણ આ વિસ્તારની અનેક સોસાયટીઓ અને વસાહતોમાં પાણી ભરાઇ ગયા હોવા છતાં વિસ્તારમાં કોઇ સર્વે હાથ ધરવામાં આવ્યો નથી કે, પુરગ્રસ્તોને કોઇ આર્થિક સહાય પણ ચુકવવામાં આવી નથી તેમ સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો હતો.સામાજિક અને કોંગ્રેસ કાર્યકર સુહાના સૈયદ તથા વસીમ શેખની આગેવાનીમાં આજે તાંદલજા વિસ્તારની ખ્વાજા ગરીબ નવાઝનગર, રોશનનગર તથા નશીબપાર્ક સહિતનાં વિસ્તારનાં રહીશોએ વિસ્તારમાં ભેગા થઇ સુત્રોચ્ચાર કરી, મહાનગર પાલિકાનાં તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. સુહાના સૈયદે જણાવ્યું હતું કે, આ સ્થાનિક રહીશો ફતેગંજ તેમજ અલકાપુરી જેવા વી.આઇ.પી. જેવા વિસ્તારનાં રહીશો જેટલું જ પાણી અને ઘરવેરો ભરતો હોવા છતાં સ્થાનિક રહીશોને પાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી. વિસ્તારમાં રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ લાઇન અને બીજી અનેક સમસ્યાઓથી સ્થાનિક રહીશો હેરાન-પરેશાન થઇ ગયા છે. આ સમસ્યાઓ અંગે અવારનવાર સત્તાધીશોને રજુઆતો કરવા છતાં વિસ્તાર તરફ ઓરમાનભર્યું વર્તન દાખવવામાં આવે છે.
શહેરમાં આવેલા પુર વખતે આ વસાહતોમાં કમર સુધી પાણી ભરાઇ ગયા હતા. લોકોનાં ઘરોમાં પાણી ઘુસી જવાથી ઘરવખરીને પણ ભારે નુકશાન થયું હતું. ઘરમાં ભરાયેલા પાણીને પગલે સ્થાનિક રહીશોને ઘર છોડીને બીજે વિસ્થાપિત થવું પડ્યું હતું. આમ, પુરમાં આર્થિક નુકસાન થયું હોવા છતાં સરકાર તરફથી હજુ સુધી કેશડોલ કે ફુડ પેકેટ જેવી પણ સુવિધા આપવામાં આવી નથી. સામાજીક કાર્યકર વસીમ શેખે જણાવ્યું હતું કે, વિસ્તારમાં ગટર કે ડ્રેનેજ લાઇન ન હોવાથી અવારનવાર ખારકૂવા ભરાઇ જાય છે. જેનાંથી ગંદકી ફેલાય છે. શુદ્ધ પાણી પણ મળતું ન હોવાથી સ્થાનિક રહીશોને પૈસા ખર્ચીને પાણી બજારમાંથી ખરીદવું પડે છે.