(સંવાદદતા દ્વારા)
અમદાવાદ, તા.ર૯
દેશમાં કોમવાદી રાજનીતિ શરૂ કરનાર ભાજપે આજરોજ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના હિંદુ કે બિનહિન્દુનો મુદ્દો ઉછાળી મેલી રાજરમત શરૂ કરી હતી. કોઈપણ વ્યક્તિની જાતિ કે ધર્મ તે અંગત બાબત છે તેના પર કીચડ ઉછાળી શકાય નહીં પરંતુ ગુજરાતમાં રર વર્ષ સુધી શાસન કરનાર ભાજપ પોતે કરેલા કાર્યોના ગુણગાન ગાવાને બદલે વિરોધીઓ પર કીચડ ઉછાળવાની એકપણ તક જતી કરતું નથી આજરોજ પણ સોમનાથ મંદિરમાં રાહુલ ગાંધીએ બિનહિન્દુ રજિસ્ટરમાં કરેલી નોંધને ખોટી રીતે ચગાવી મતદારોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરાયો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતની ૮૯ બેઠકો માટે ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરી દીધા છે. પ્રથમ તબક્કાની ચૂંટણી ૯ ડિસેમ્બરે થવાની છે. ભાજપ સત્તા ટકાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. દરમ્યાન કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિરના દર્શન કરી પોતાના ઝંઝાવાતી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી.
જો કે, સોમનાથ મંદિરની મુલાકાત દરમ્યાન રાહુલ ગાંધીએ બિનહિંદુ તરીકે રજીસ્ટરમાં નોંધ કરી હતી. રાહુલ ગાંધી અને અહમદ પટેલે સોમનાથ ટ્રસ્ટના નિયમોનું પાલન કરતાં મંદિરમાં દર્શને જતાં પહેલા રજીસ્ટરમાં નોંધ કરી હતી. તેમણે અને અહમદ પટેલે હિન્દુ ધર્મ ન પાળતા હોવાથી મંદિરના નિયમ મુજબ દર્શન કરતાં પહેલાં બિનહિન્દુના રજીસ્ટરમાં નોંધ કરી હતી. આ સાથે જ મંદિરના દર્શન કર્યા બાદ રાહુલ ગાંધીએ વિઝીટર બૂકમાં લખ્યું હતું. રાહુલ ગાંધીએ લખ્યું કે, આ બહુ પ્રેરણાદાયક સ્થળ છે. આમ રાહુલ ગાંધીએ બિનહિન્દુ રજિસ્ટરમાં કરેલી નોંધને ભાજપે ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવી રાહુલ ગાંધી પર કીચડ ઉછાળ્યું હતું. આમ રાહુલ ગાંધીને ગુજરાતમાં મળી રહેલા જબરદસ્ત જન સમર્થનથી બોખલાઈ ગયેલા, ડરી ગયેલા, ભયભીત બનેલા ભાજપે હલકી રાજનીતિ શરૂ કરી દીધી છે. દેશને રાહુલ ગાંધી હિન્દુ કે બિનહિન્દુ છ તેમાં રસ નથી પરંતુ બે ટંક પેટ ભરવામાં જ રસ છે.

રાહુલ ગાંધી હિન્દુ છે પરંતુ તેમને બદનામ કરવાનું ભાજપનું ષડ્યંત્ર
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સોમનાથ મુલાકાતને વિવાદનું રૂપ આપવામાં આવ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. સોમનાથ મંદિરના રજિસ્ટરમાં રાહુલ ગાંધીએ બિનહિન્દુ તરીકે નોંધ કરી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. કોંગ્રેસે આ વીડિયોને ખોટો ગણાવતા આક્ષેપ કર્યો છે કે ભાજપે રાહુલ ગાંધીને બદનામ કરવા આવા આક્ષેપ કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે, રાહુલ ગાંધીને તે રજિસ્ટર આપવામાં નહોતું આવ્યું. એન્ટ્રીના સમયે બૂક ખાલી હતી. રાહુલ ગાંધીએ જેમાં એન્ટ્રી કરી તે રજિસ્ટર અલગ છે. રાહુલ ગાંધી બિનહિન્દુ હોવાના આક્ષેપનો જવાબ આપતા તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી હિન્દુ છે અને તેમણે જનોઈ પણ ધારણ કરી છે. તો રાહુલ ગાંધીની સોમનાથ મુલાકાત દરમિયાન બિનહિન્દુ વાળા વીડિયોને કોંગ્રેસે ખોટો ગણાવ્યા બાદ ભાજપે પ્રતિક્રિયા આપી છે. ભાજપે આ અંગે ખુલાસો આપતા કહ્યું કે, રાહુલ ગાંધીના હસ્તાક્ષર છે. તેથી તેઓ ખુલાસો આપે.