(એજન્સી) નવી દિલ્હી, તા.૪
લોકસભાની ચાલી રહેલી ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રવાદની ઝાટકણી કાઢતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારતીય સેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંગત સંપત્તિ નથી. જેનું રાજકીયકરણ કરવું ન જોઈએ. ત્રાસવાદી મસૂદ અઝહરને જેવી રીતે એનડીએ સરકારે છોડી મૂક્યો તેની પણ રાહુલ ગાંધીએ ઝાટકણી કાઢી હતી.
ત્રાસવાદનો મુદ્દો મોટો છે તે અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપે તેની સાથે સમાધાન કર્યું છે. જ્યારે કોંગ્રેસે તેનો વધુ સખ્તાઈથી મૂકાબલો કરશે. કોંગ્રેસ વ્યૂહાત્મક રીતે તેનો મૂકાબલો કરે છે જ્યારે ભાજપ ઘટના તરીકે જુએ છે.
પત્રકારો સાથે વાતચીત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે યુપીએ સરકારના શાસનમાં સેનાની એરસ્ટ્રાઈકને વીડિયો ગેમ બતાવી મોદી દેશની સેનાને બદનામ કરી રહ્યા છે. સેના કોઈ વ્યક્તિની નહીં પરંતુ દેશની છે.
હવે ચૂંટણી પૂર્ણતાને આરે છે ત્યારે મોદીની હાર સ્પષ્ટ દેખાય છે. ચૂંટણીમાં ખેડૂત-રોજગાર અને વડાપ્રધાનના ભ્રષ્ટાચારના મુદ્દા મૂળ રહ્યા.
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. મોદીએ અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે. ર કરોડ રોજગારીના વાયદાનું શું થયું ? તેવું લોકો પૂછી રહ્યા છે. મોદી રોજગારી અંગે કોઈ વાત કરતાં નથી. તેમની પાસે કોઈ યોજના નથી.
તેમણે કહ્યું કે મસૂદ અઝહર એક આતંકવાદી છે તે પાકિસ્તાન કઈ રીતે પહોંચ્યો ? ભાજપે આતંકવાદ સામે ઝૂકી જઈ તેને છોડી મૂક્યો હતો. કોંગ્રેસ કદી આમ નહીં કરે.
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા અંગે ટીકા કરતાં કહ્યું કે જ્યારે વિપક્ષી દળોની વાત આવે છે ત્યારે પંચ પક્ષપાત જોવા મળે છે. ભાજપ, સંઘ અને મોદીની કામ કરવાની રીત સંસ્થાનો પર દબાવ બનાવવાની છે. જે રિઝર્વ બેંકથી સુપ્રીમકોર્ટ સુધી જોવા મળે છે. ચૂંટણપંચે તેની જવાબદારી નિભાવવી જોઈએ.
રાહુલ ગાંધીએ રાફેલ સોદા અંગે મોદી સરકારની ઝાટકણી કાઢી હતી. ૩૦ હજાર કરોડની કટકી થઈ છે. જીએસટીથી દેશનું તંત્ર લકવાગ્રસ્ત બન્યું છે. મોદીએ નોટબંધી કરી અને ન્યાય યોજના લાવી અર્થતંત્રને પુનઃ માટે ચઢાવીશું.
પૂર્વ એનડીએ સરકારના મંત્રી જસવંતસિંહ ત્રાસવાદી મસૂદ અઝહરને પાકિસ્તાન છોડી આવ્યા. કોંગ્રેસે કદી કોઈ ત્રાસવાદીને પાકિસ્તાન મોકલ્યો નથી. મસૂદ અઝહરની સાથે અન્ય બે ત્રાસવાદી મુસ્તાક અહેમદ ઝરગાર અને અહેમદ ઉંમર શેખને પણ એનડીએ સરકારે છોડી મૂક્યા હતા.
યુપીએ સરકારમાં છ સર્જિકલ સ્ટ્રાઈક કરાઈ હતી. પરંતુ તે સેનાએ કરી હતી. પાર્ટીએ નહીં. કોંગ્રેસ સત્તા પર આવશે તો રર લાખ લોકોને રોજગારી આપશે. અમે ર કરોડની વાત નથી કરતા.
રાફેલ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી મે માફી માંગી હતી. પરંતુ ચોકીદાર ચોર છે તે સાચી વાત મેં મોદી કે ભાજપની માફી માંગી નથી.

રાહુલ ગાંધીએ શું કહ્યું ….

• સેનાનું રાજકીયકરણ કરવું ન જોઈએ.
• કોંગ્રેસ ત્રાસવાદનો મૂકાબલો વ્યૂહાત્મક ઢંગથી કરશે
• બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નોની મોદી સરકારે અવગણના કરી
• રાફેલ મુદ્દે ભ્રષ્ટાચાર થયો છે
• નોટબંધી-જીએસટીથી અર્થતંત્ર તબાહ
• ન્યાય યોજનાથી તંત્રને પાટા પર લાવીશું