(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્ષ ઘટાડવાના નિર્ણય અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર વ્યંગ કર્યો છે. રાહુલે સરકારના આ નિર્ણયને વડાપ્રધાન મોદીના અમેરિકામાં આયોજિત થનારા કાર્યક્રમ ‘હાઉડી મોદી’ સાથે જોડ્યો છે અને કહ્યું છે કે, કોઇપણ એવી ઇવેન્ટ અથવા નિર્ણય ખરાબ આર્થિક હાલતને છૂપાવી શકતી નથી. રાહુલ ગાંધીએ ટિ્‌વટમાં લખ્યું કે, ‘હાઉઇન્ડિયન ઇકોનોમી વચ્ચે નીચે જઇ રહેલા શેરબજાર માટે મોદીએ જે કર્યું છે તે શાનદાર છે. ૧.૪ લાખ કરોડ રૂપિયાની સાથે હ્યૂસ્ટન ઇવેન્ટ દુનિયાનો સૌથી મોંઘો કાર્યક્રમ છે. પણ કોઇપણ ઇવેન્ટ એ આર્થિક સંકટને છૂપાવી નહીં શકે જેમાં હાઉડી મોદીએ ભારતને નાખી દીધું છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનું એલાન કર્યું હતું. કોર્પોરેટ ટેક્સ ઘટાડવા અને અન્ય રાહતોથી સરકારની તિજોરી પર ૧.૪૫ લાખ કરોડ રૂપિયાનો બોજો પડશે. રાહુલ ગાંધી આ બોજાનો જ ઉલ્લેખ કરી રહ્યા હતા. આ પહેલા રાહુલ ગાંધીએ અમેરિકાના હ્યૂસ્ટનમાં થનારા પીએમ નરેન્દ્ર મોદીના હાઉડી મોદી કાર્યક્રમ અંગે વ્યંગ કરતા લખ્યું હતું કે, મોદીએ દેશની અર્થવ્યવસ્થા વિશે જણાવવું જોઇએ. રાહુલ ગાંધીએ એક અહેવાલનો હવાલો આપતા કહ્યું હતું કે, ‘મોદીજી, હાઉડી ઇકોનોમી ડૂઇંગ ?(અર્થવ્યસ્થાની સ્થિતિ શું છે ?). હાલ તે સારી દેખાતી નથી. ઉલ્લેખનીય છે કે, હ્યૂસ્ટનમાં ૨૨મી સપ્ટેમ્બરે આયોજિત થનારા હાઉડી મોદી કાર્યક્રમમાં મોદીની સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે. આ કાર્યક્રમમાં ૫૦,૦૦૦ ભારતીયો સામેલ થાય તેવી સંભાવના છે.