(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય માહોલ ગરમાઇ ગયો છે. મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક કૌભાંડના સંદર્ભમાં કથિત મની લોન્ડરિંગ બદલ ઇડીએ શરદ પવાર સામે તપાસ શરૂ કરી છે. એનસીપીના નેતા શરદ પવારે શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની ઓફિસે જવાના હોવાથી બલાર્ડ એસ્ટેટની આસપાસના ૭ વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. જોકે, શરદ પવારે પોતાની પાર્ટીના સમર્થકો અને કાર્યકરોને ઇડીની ઓફિસની આસપાસ એકત્રિત નહીં થવા અને વિરોધ પ્રદર્શન નહીં કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે તપાસ એજન્સીઓના સહયોગ માટે તેમને ઉપસ્થિત થવાનું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવારને મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં કરોડો રૂપિયાના કૌભાંડના મામલામાં નામ આપ્યું હતું અને તેના સંદર્ભમાં શરદ પવાર ઇડીના કાર્યાલયે ઉપસ્થિત થવાના છે. જ્યારે બીજીબાજુ ઇડીએ આજના દિવસે ઓફિસે નહીં આવવાની શરદ પવારને ન પાડી દીધી છે. દરમિયાન, શિવસેનાના સાંસદ સંજય રાઉત બાદ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ એનસીપીના પ્રમુખ શરદ પવારના સમર્થનમાં આવી ગયા છે. રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને જણાવ્યું કે સરકાર દ્વારા નિશાન બનાવવામાં આવનારા શરદ પવાર વિપક્ષના નવા નેતા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાના એક મહિના પહેલા આ પ્રકારની કાર્યવાહી રાજકીય અવસરવાદનું પુનરાવર્તન છે. રાહુલ ગાંધીએ ઇડીના આ પગલાને ભાજપ સરકારનો બદલો ગણાવ્યો છે. નોંધનીય છે કે ઇડી દ્વારા શરદ પવારની શુક્રવારે કરવામાં આવનારી પૂછપરછ અંગે વિરોધ વધી રહ્યો છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે એનસીપી નેતાનું સમર્થન કરીને પવારને ભારતીય રાજનીતિના ભીષ્મ પિતામહ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે જે બેંકમાં કૌભાંડ અંગે ઇડીએ એફઆઇઆરમાં શરદ પવારનું નામ નોંધ્યું છે, એ બેંકમાં તેઓ કોઇ પણ હોદ્દાએ રહ્યા નથી. સંજય રાઉતે કહ્યું કે પવાર સાથે અમારી પાર્ટી અને વિચારધારા અલગ છે પરંતુ હું એ કહીશ કે ઇડીએ તેમની સાથે ખોટું કર્યું છે.
રાહુલ ગાંધી એનસીપીના શરદ પવારના સમર્થનમાં આવ્યા, ભાજપ સરકારનો બદલો ગણાવ્યો

Recent Comments