(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. વિદેશ મંત્રી એસ.જયંશકરની સ્પષ્ટતા અંગે રાહુલ ગાંધીએ મંગળવાર સવારે ટ્‌વીટ કરીને કહ્યું કે જયશંકરજી આપનો આભાર જેમણે વડાપ્રધાન મોદીને બચાવી લીધા અને અસમર્થતાને છુપાવી દીધી છે. તેમના આ પ્રકારના સમર્થનને ભારત માટે ડેમોક્રેટ્‌સ સાથેના સંબંધો પર પ્રશ્ન ઉભા કરી દીધા છે. મને આશા છે કે તમારા હસ્તક્ષેપથી બધું બરાબર થઈ જશે. હવે તમે આ અંગે કામ કરી રહ્યા છો તો તેમને થોડી કૂટનીતિ વિશે પણ શીખવાડજો. વડાપ્રધાન મોદીએ ગયા સપ્તાહે હાઉડી મોદી ઈવેન્ટ દરમ્યાન ભાષણમાં અબકી બાર, ટ્રમ્પ સરકારના નારાને યાદ કર્યો હતો. આ અંગે વિવાદ થયા બાદ વિદેશ મંત્રી જયશંકરે સ્પષ્ટતા કરી છે કે વડાપ્રધાન મોદીએ અમેરિકાની ચૂંટણી માટે કોઈનું સમર્થન કર્યું ન હતું, પરંતુ ૨૦૧૬ના ટ્રમ્પ રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાનને યાદ કર્યું હતું. કારણ કે તે વખતે અમેરિકામાં ભારતીય સમુદાય વચ્ચે આ નારો ઘણો લોકપ્રિય બન્યો હતો.
વિદેશ મંત્રી વૉશિંગટન ડીસીના ત્રણ દિવસના પ્રવાસે છે. ભારતીય પત્રકારો સાથે વાતચીત કરતાં હતા ત્યારે જયશંકરે આ વાત કહી. શું પીએમ મોદીએ હાઉડી મોદીના માધ્યમથી ટ્રમ્પ માટે કેમ્પેનિંગ કર્યુ? આ પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યુ કે, ના, તેઓએ (પીએમ મોદી) આવું કંઈ જ નથી કહ્યુ. મને લાગે છે કે પીએમ મોદીએ હ્યુસ્ટનમાં જે પણ કહ્યુ તેને ખૂબ જ ધ્યાનથી સમજવાની જરૂર છે. મારી સમજમાં પીએમ મોદી અગાઉની ચૂંટણીની વાત કરી રહ્યા હતા, કારણ કે ૨૦૧૬ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કેમ્પેનિંગ કરતી વખતે ટ્રમ્પે પોતે જ અબકી બાર ટ્રમ્પ સરકાર સ્લોગનનો ઉપયોગ કર્યો હતો. હાઉડી મોદી કાર્યક્રમ બાદ કોંગ્રેસે પણ મોદી ટ્રમ્પના સમર્થનમાં બોલવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે, આ વિદેશ નીતિનું ઉલ્લંઘન છે. આપણો દેશ કોઈ પણ દેશની ચૂંટણી અને રાજકારણમાં સામેલ નથી થયો. આ બન્ને દેશોની સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.