(એજન્સી) નવી દિલ્હી, તા.ર
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મજયંતી નિમિત્તે દિલ્હીમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવનથી રાજઘાટ સુધી કોંગ્રેસે એક વિશાળ પદયાત્રાનું આયોજન કર્યું હતું. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ નીકળેલ ગાંધી સંદેશ યાત્રામાં મોટાપાયે કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા. તેમણે યાત્રા દરમિયાન ગાંધી સંદેશ આપ્યો હતો. યાત્રામાં કાર્યકરોએ મહાત્મા ગાંધી અમર રહોના સૂત્રો પોકાર્યા હતા. રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ મુખ્યાલયથી નીકળેલી પદયાત્રા ત્રણ કિ.મી. દૂર રાજઘાટ સુધી પહોંચી હતી. યાત્રામાં ઘણા કાર્યકરો ગાંધી ચશ્મા અને ધોતી-લાકડી સાથે કૂચમાં જોડાયા હતા. કૂચમાં સાબરમતી આશ્રમનું પ્રતિક અને ચરખો પણ દર્શાવાયો હતો. રાજઘાટ પર કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી કાર્યકરોને ગાંધી વિચારોના માર્ગે ચાલવા શપથ લેવડાવશે. યાત્રાને ગાંધી સંદેશ યાત્રા નામ અપાયું છે. રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે બાપુએ આપણને શીખવ્યું છે કે, જીવ માત્ર પ્રત્યે પ્રેમ અહિંસા ઉત્પીડનને પરાસ્ત કરવાનો એક માત્ર માર્ગ છે. રાહુલ ગાંધીએ બાપુની સમાધિએ પહોંચી શ્રદ્ધાંસુમન અર્પણ કર્યા હતા.