(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
ચૂંટણી બોન્ડ યોજનાની તપાસના બીજા ભાગમાં હફપોસ્ટ ઇન્ડિયાએ એવો ઘટસ્ફોટ કર્યો ચે કે ચૂંટણી બોન્ડ અંગે સરકારે સંસદમાં જુઠ્ઠું બોલ્યું હતું અને ચૂંંટણી પંચ તેમ જ વિપક્ષને પણ અંધારામાં રાખ્યા હતા.આરટીઆઇ દ્વારા કોમોડોર(નિવૃત્ત) લોકેશ બતરા દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજોને આધારે મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવેલી તપાસના બીજા ભાગમાં ચૂંટણી બોન્ડ યોજનાની વિગતો છુપાવવાના મોદી સરકારના હથકંડાઓનો ઘટસ્ફોટ થયો છે. હફપોસ્ટ ઇન્ડિયાએ તેની તપાસના પ્રથમ ભાગમાં બતાવ્યું છે કે સરકારે ભારતીય રિઝર્વ બેંકને કેવી રીતે અંધારામાં રાખી હતી, સરકાર આરબીઆઇનો સંપર્ક સાધવામાં નિષ્ફળ નીવડી હતી અને આખરે આરબીઆઇના વાંધાઓ એમ કહીને ફગાવી દીધા કે આરબીઆઇની સલાહ બહુ મોડી આવી અને બજેટના પેપર્સ પ્રિન્ટ થઇ ગયા હતા.
મંગળવારે પ્રસિદ્ધ થયેલા તપાસના બીજા ભાગમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે ચૂંંટણી બોેન્ડ યોજના અંગે સંસદમાં જુઠ્ઠું બોલ્યું હતું અને સંસદને એવી માહિતી આપી કે ચૂંટણી બોન્ડ યોજનાઓ અંગે સરકારને કોઇ વાંધા મળ્યા નથી. કોઇ વાતચીત ન થઇ. સંસદમાં સરકાર દ્વારા જુઠ્ઠું બોલી દેવામાં આવ્યા બાદ નાણા મંત્રાલયે નિષ્ફળતાનું બહાનું બતાવ્યું કે ચૂંટણી બોન્ડ યોજના અંગે ચૂંટણી પંચના વાંધાઓ કે શંકાઓ નાણા મંત્રાલયને મળી ન હતી. ચૂંટણી પંચની આશંકાઓ કાયદા મંત્રાલયને મોકલવામાં આવી હતી અને કાયદા મંત્રાલયે તેને નાણા મંત્રાલયને મોકલી દીધી હતી.
આખરે મસતલ પ્રક્રિયાનો દેખાડો કરવા માટે અરૂણ જેટલીના નેતૃત્વવાળા નાણા મંત્રાલયે રાજકીય પક્ષો પાસેથી તેમની ટિપ્પણીઓ મેળવવા માટે લખ્યું હતું પરંતુ કોંગ્રેસના ખજાનચી મોતી લાલ વ્હોરા સહિત રાજકીય પક્ષોએ યોજનાની વિગતો મેળવવા માટે ફરી નાણા મંત્રાલયને લખ્યું ત્યારે નાણા મંત્રાલયે મૌન ધારણ કરી લીધું અને રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ યોજનાની કોઇ વિગતો આપી ન હતી. ચૂંટણી પંચનો પત્ર નાણા મંત્રાલય સાથે શેર કરવામાં આવ્યો હતો પરંતુ સંસદમાં આ મુદ્દા અંગે હોબાળો સર્જાય હોવા છતાં નાણા મંત્રાલયે આવો કોઇ પત્ર મળ્યો હોવાનો ઇનકાર કર્યો હતો. તે વખતે રાજ્યસભાના સભ્ય મોહમ્મદ નદીમુલ હકે સંસદના શિયાળું સત્રમાં એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું ચૂંટણી પંચે ચૂંટણી બોન્ડ વિશે ચિંતાઓ કે શંકાઓ વ્યક્ત કરી છે કે કેમ ? ત્યારે તે વખતના રાજ્યકક્ષાના નાણા પ્રધાન પી. રાધાકૃષ્ણને જવાબમાં જણાવ્યું હતું કે ચૂંટણી બોન્ડના મુદ્દા અંગે સરકારને ચૂંટણી પંચ પાસેથી કોઇ આશંકાઓ મળી નથી.

‘નવા’ ભારતમાં લાંચ, ગેરકાનૂની કમિશનો
ચૂંટણી બોન્ડ કહેવાયા : રાહુલ ગાંધી

કોંગ્રેસે એવો આરોપ મૂક્યો છે કે કાળા નાણાથી ભાજપની તિજોરી ભરવા માટે ચૂંટણી બોન્ડ જારી કરવા માટે મોદી સરકારે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ની પણ અવગણના કરી હતી. કોંગ્રેસ ચૂંંટણી બોન્ડ યોજના તાકીદે રદ કરવાની માગણી પણ કરી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી બોન્ડ જારી કરવા માટે સરકાર દ્વારા આરબીઆઇની અવગણના કરવામાં આવી હોવાના પ્રસિદ્ધ થયેલા અહેવાલો અંગે સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ‘નવા’ ભારતમાં લાંચ અને ગેરકાનૂની કમિશન્સને ચૂંટણી બોન્ડ કહેવામાં આવે છે. અગાઉ, કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ પણ ચૂંટણી બોન્ડ યોજના અંગે મોદી સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે સરકાર સામે એવો આરોપ મૂક્યો કે કાળા નાણાથી ભાજપની તિજોરીઓ ભરવામાં સહાયરૂપ થવા માટે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓ ફગાવી અને આરબીઆઇની અવગણના કરીને ચૂંટણી બોન્ડને મંજૂરી આપવામાં આવી હતી. આખરે આરબીઆઇના વાંધાઓ એમ કહીને ફગાવી દીધા કે આરબીઆઇની સલાહ બહુ મોડી આવી અને બજેટના પેપર્સ પ્રિન્ટ થઇ ગયા હતા.