(એજન્સી) તા.રપ
સોમવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે વિપક્ષના તીવ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રાજ્યમાં લોકશાહીની હત્યા થઈ છે જ્યારે તેમની પાર્ટીના સભ્યો હાથમાં પ્લેકાર્ડ લઈ વેલમાં ઘસી ગયા હતા જેના કારણે ગૃહની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી હતી. સવારે ૧૧ વાગે શરૂ થયેલા પ્રશ્નકાળ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મારો પ્રશ્ન પૂછવાનો કોઈ અર્થ નથી કારણ કે, મહારાષ્ટ્રમાં લોકશાહીની હત્યા કરી દેવામાં આવી છે. કોંગ્રેસના સાંસદોએ ગૃહમાં સૂત્રોચ્ચાર કરવાનું અને પ્લેકાર્ડ બતાવવાનું ચાલુ રાખ્યું હતું. કોંગ્રેસના બે સાંસદો એક મોટું બેનર લઈ વેલમાં ઘસી આવતા સ્પીકર ઓમ બિરલા ગુસ્સે થયા હતા. તેમની ચેતવણીને ગણકારવામાં ન આવતા તેમણે કોંગ્રેસના બે સાંસદો હિબી એડન અને ટી.એન.પ્રથાપનને ગૃહની બહાર કરવાનો આદેશ આપ્યો હતો જેના પગલે લોકસભાના માર્શલો અને કોંગ્રેસના સાંસદો વચ્ચે ઘર્ષણ થતાં લોકશાહીની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ પણ સાંસદના પરિસરમાં પાર્ટીના નેતાઓ સાથે મહારાષ્ટ્ર મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના સાંસદોએ સંસદમાં ‘લોકશાહીની હત્યા બંધ કરો’, ‘બંધારણ બચાવ’, ‘લોકશાહી બચાવ’ લખેલા પ્લેકાડ્‌ર્સ તેમજ બેનરો પ્રદર્શિત કર્યા હતા.