(એજન્સી) નવી દિલ્હી, તા.૨૮
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર અંગે ગુરુવારે પત્રકારોને કહ્યું કે પ્રજ્ઞાસિંહ જે બોલી રહ્યા છે તે ભાજપ અને આરએસએસના મગજમાં છે. તે સિવાય તો હું શું કહી શકું? ભાજપ દ્વારા તે છુપાવી શકાતું નથી. આ મહિલા સામે કાર્યવાહી કરવાની માંગ કરીને મારે મારો સમય બગાડવાની જરૂર નથી. તેની સાથે રાહુલે ટિ્‌વટ કરીને પ્રજ્ઞાને અને ગોડસેને આતંકવાદી ગણાવીને કહ્યું કે ત્રાસવાદી પ્રજ્ઞાએ ત્રાસવાદી ગોડસેને દેશભક્ત ગણાવ્યોે છે. ભારતના સંસદીય ઇતિહાસમાં આ એક કાળો દિવસ છે. દરમિયાન, કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ પણ પ્રજ્ઞા ઠાકુરની ભારે વાંધાનજક ટિપ્પણીને વખોડી કાઢી છે. સોનિયા ગાંધીએ જણાવ્યું કે આ મુદ્દા અંગ જે કંઇ કહેવાનું હતું તે અમારા પક્ષે કહી દીધું છે. પ્રજ્ઞાની ટિપ્પણી આઘાતજનક છે.
આ સાથે જ કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ પ્રજ્ઞાની ભારે વાંધાજનક ટિપ્પણી અંગે સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે પૂછ્યું હતું કે ગોડસે વિશે તેમના મંતવ્ય શું છે તે ભાજપ દિલથી જણાવે છે. તેમણે ટિ્‌વટર પર લખ્યું, ’આજે દેશની સંસદમાં ઉભા રહીને ભાજપના એક સાંસદે ગોડસેને દેશભક્ત ગણાવ્યો. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવનાર વડા પ્રધાનને હવે હૃદયથી વિનંતી છે કે ગોડસે વિશે તેમના વિચારો શું છે તે જણાવો..? મહાત્મા ગાંધી અમર છે. ’
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ કહ્યું કે સાધ્વી ઠાકુર હંમેશા ગોડસેની તરફેણમાં બોલે છે. ભાજપે સ્પષ્ટ કરવું જોઈએ કે તેમની પાર્ટી ગાંધીજીની સાથે છે કે ગોડસેની સાથે છે. મુખમાં ગાંધીજી અને હૃદયમાં ગોડસે નહીં ચાલે. વિપક્ષી સભ્યોએ આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત સરકારને નિશાન બનાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે વડા પ્રધાન આવી વિચારસરણીના સમર્થનવાળાની સામે પગલા લેવામાં નિષ્ફળ જ જાય છે.