(એજન્સી) નવી દિલ્હી, તા. ૭
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેરળમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને કહ્યું હતું કે, ભાજપ સરકારના આ કાર્યકાળ દરમિયાન આપણી સંસ્થાગત સંરચનાઓ તૂટવાથી હવે લોકો કાયદો હાથમાં લઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, આવું એ માટે થઇ રહ્યું છે કેમ કે, દેશને ચલાવનારી વ્યક્તિ હવે હિંસાની તાકાતથી સત્તા ચલાવવામાં માને છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, સત્તામાં બેઠેલા લોકો સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે. એટલું જ નહીં, આ સરકારના કાર્યકાળ દરમિયાન આદિવાસીઓ વિરૂદ્ધ અત્યાચારની સંખ્યામાં પણ વધારો થયો છે. દરમિયાન કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે પર સૈનિકોને શુભકામનાઓ આપી હતી અને તેમણે આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે કેરળમાં વિદ્યાર્થીનીઓ સાથે મનાવ્યો હતો.
કોંગ્રેસ સાંસદે દેશમાં મહિલાઓ વિરૂદ્ધ હિંસાના વધતા જતા કેસો મુદ્દે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારત વિશ્વમાં બળાત્કારોની રાજધાની તરીકે ઓળખાય છે. બીજા દેશો પ્રશ્ન કરી રહ્યા છે કે, ભારત તેની બહેન-દીકરીઓની સુરક્ષા કરવા માટે કેમ સક્ષમ નથી ?” ઉન્નાવમાં જ નોંધાયેલા એક અન્ય બળાત્કારના કેસમાં મુખ્ય આરોપી રહેલા ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર મુદ્દે વડાપ્રધાન પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “યુપીમાં મહિલા સાથે બળાત્કારના એક કેસમાં ભાજપનો ધારાસભ્ય સંડોવાયેલો છે, પરંતુ વડાપ્રધાન મોદી આ અંગે એક શબ્દ બોલ્યા નથી.” રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “ઉન્નાવમાં એક નિર્દોષ દીકરીના હૃદયપૂર્વક મૃત્યુથી માનવતા શર્મસાર થઈ છે. આ ઘટનાથી હું સ્તબ્ધ છું. ન્યાય અને સુરક્ષા માટે રાહ જોઈ રહેલી વધુ એક દીકરીએ જીવ ગુમાવ્યો. હું આ દુઃખના સમયમાં તેના પરિવારને આશ્વાસન આપું છું.”