રાયપુર, તા. ૨૭
નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) અને એનઆરસી પર જારી ધાંધલ ધમાલ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સીએએ અને એનઆરસીને ગરીબો પર નાગરિકતાના ટેક્સ તરીકે ગણાવ્યું હતું. દેશનો સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, પહેલા ભારત અને ચીનને સમગ્ર દુનિયા એક ગતિ સાથે આગળ વધતા જોઈ રહ્યું હતું પરંતુ આજે ભારતમાં માત્ર હિંસા જ દેખાઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, અર્થવ્યવસ્થા પરથી ધ્યાન હટાવવા માટે મોદી સરકાર નાગરિકતા કાનૂૂનને લઇને આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન પોતાનું કામ વ્યવસ્થિતરીતે કરી શકતું નથી. છત્તીસગઢમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવમાં ભાગ લીધા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પહેલા દુનિયા એવું કહી રહી હતી કે, ચીન અને ભારત એક જ ગતિ સાથે આગળ વધી રહ્યું છે પરંતુ હવે દુનિયામાં ભારતમાં માત્ર હિંસા જ દેખાઈ રહી છે. માર્ગો ઉપર મહિલાઓ અસુરક્ષિત દેખાઈ રહી છે અને બેરોજગારી વધી રહી છે. રાહુલ ગાંધીએ સીએએ અને એનઆરસી પર કહ્યું હતું કે, એનસીઆર હોય કે પછી એનપીઆર, બંને ગરીબો પર ટેક્સ છે. નોટબંધી પણ ગરીબો પર ટેક્સ હતો. આ સમગ્રરીતે ગરીબો પર આક્રમણ છે. લોકોને નોટબંધીની જેમ જ લાઈનોમાં ઉભા રાખી દેવામાં આવનાર છે. આનાથી દેશનો સમય બરબાદ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકારે અર્થવ્યવસ્થા પરથી ધ્યાન હટાવવા માટે આ પગલું ઉઠાવ્યું છે. જીડીપી જે ક્યારેક નવ પર હતો જે આજે ચાર ઉપર પહોંચી ગયો છે. ગરીબો પુછી રહ્યા છે કે, રોજગારી કેવી રીતે મળશે, બેરોજગારીનો દર વધી રહ્યો છે. મહિલાઓ દેશમાં પોતાને અસુરક્ષિત હોવાનું જણાવી રહી છે.

બધા તબક્કાના સમાવેશ વિના દેશ ના ચાલી શકે : રાહુલ ગાંધી

(એજન્સી) રાયપુર,તા.૨૭
નાગરિકતા સુધારણા કાયદો અને એનઆરસીની વિરૂદ્ધ થઈ રહેલા વિરોધની વચ્ચે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ એનપીઆર અને એનઆરસીને ગરીબો પર હુમલો ગણાવતા જણાવ્યું છે કે, આ નાગરિકતા ટેક્સ છે. દેશનો સમય વેડફવામાં આવી રહ્યો છે. અર્થવ્યવસ્થા પરથી ધ્યાન ભટકાવવા માટે મોદી સરકાર નાગરિકતા કાયદો લઇને આવી છે.
છત્તીસગઢમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવમાં સામેલ થયા બાદ રાહુલે જણાવ્યું હતું કે, પહેલા દુનિયા કહેતી હતી કે ભારત અને ચીન એક જ ઝડપથી આગળ વધી રહ્યા છે પરતું હવે ભારતમાં માત્ર જ હિંસા જ જોવા મળી રહી છે. રાહુલ ગાંધીએ સીએએ અને એનઆરસી પર જણાવ્યું કે, એનઆરસી હોય કે પછી એનપીઆર, બંને ગરીબો પર ટેક્સ છે. નોટબંધી પણ ગરીબો પર ટેક્સના બોજા જેવી હતી. આ ગરીબો પર આક્રમણ છે. લોકોને નોટબંધીની જેમ લાઈનમાં ઊભા રાખવામાં આવશે. દેશનો સમય વેડફવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે અર્થવ્યવસ્થાથી ધ્યાન હટાવવા માટે આવું પગલું ભર્યું છે. જીડીપીનો દર ૯થી ૪ ટકા થઇ ગયો છે, તે પણ એક નવી રીતે. જો જૂની રીતથી જીડીપીની ગણતરી કરવામાં આવે તો દર ૪ ટકાથી પણ ઓછો હશે. ગરીબો પૂછી રહ્યા છે કે નોકરી કેવી રીતે મળશે, બેરોજગારીનો દર વધી રહ્યો છે. મહિલાઓ સુરક્ષિત નથી. અગાઉ મહોત્સવમાં રાહુલે જણાવ્યુ હતું કે, છત્તીસગઢમાં હિંસામાં ઘટાડો થયો છે કારણ કે અહિંયાની સરકાર લોકોનો અવાજ સાંભળે છે. વિધાનસભામાં એક વ્યક્તિની નહીં પરતું તમામનો અવાજ સાંભળવામાં આવે છે. અન્ય રાજ્યોની સ્થિતિ અને દેશભરમાં ખેડૂતોની સ્થિતિ, બેરોજગારી અને અર્થવ્યવસ્થા અંગે લોકોને જાણ છે. પ્રત્યેક ધર્મ, જાતિ, આદિવાસી, દલિત-પછાતની સાથે લીધા વગર ભારતની અર્થવ્યવસ્થાને ચલાવી શકાય નહીં.

“જો વર્ષના જૂઠા વ્યક્તિની કેટેગરી હોય તો….” : રાહુલ ગાંધી પર ભાજપના પ્રહાર

નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (એનપીઆર) પર કેન્દ્ર સરકાર પર સતત નિશાન સાધનારા રાહુલ ગાંધીને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડકરે વર્ષ ૨૦૧૯ના સૌથી મોટા ખોટા ગણાવ્યા છે. જાવડકરે કહ્યું કે, રાહુલ ગાંધી ૨૦૧૯ના સૌથી મોટા ખોટા છે. તેમનું જનસંખ્યા રજીસ્ટરને ટેક્સ સાથે જોડવું વાહિયાત છે. એનપીઆરના માધ્યમથી ગરીબોની મદદ કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડકરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પર મોટો હુમલો કરતા કહ્યું કે, રાહુલ ગાંધીને વર્ષનો સૌથી મોટો જૂઠાનો એવોર્ડ આપી શકાય છે. આજે રાહુલ ગાંધીએ કહ્યું કે, એનઆરપી ગરીબો પર બીજો ટેક્સનો ભાર છે. એનપીઆરને ગરીબો પર ટેક્સ સાથે જોડવું વાહિયાત છે. રાહુલ ગાંધી ૨૦૧૯ના સૌથી મોટા ખોટા છે. તેમનું જનસંખ્યા રજીસ્ટરને ટેક્સ સાથે જોડાયેલી વાત કહેવી ચોંકાવનારૂ છે. જાવડેકરે કહ્યું કે, ખરેખર ભ્રષ્ટાચાર કોંગ્રેસની સંસ્કૃતિ રહી છે. કોંગ્રેસમાં ટૂજી ટેક્સ, જયંતી ટેક્સ, કોલસા ટેક્સ અને જીજા ટેક્સ વગેરે રહ્યું છે. વસ્તી ગણતરી અને એનપીઆર ૨૦૧૦માં પણ થયું હતું અને આ વખતે પણ થવા જઈ રહ્યું છે.

રાહુલ ગાંધી પર અમિત શાહના વળતા હુમલામાં નાગરિકતાના સત્યો અંગે પડકાર

નાગરિકતા સંશોધન કાયદાને લઇને કોંગ્રેસ પર એકવાર ફરી ગૃહમંત્રી અમિત શાહે તીખો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ એન્ડ કંપની અફવા ફેલાવી રહી છે કે એક્ટ લઘુમતીઓની નાગરિકતા છીનવી લેશે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, “રાહુલ બાબા હું તમને ચેલેન્જ આપું છું કે, કાયદામાં એકપણ જગ્યાએ કોઇની પણ નાગરિકતા લેવાની જોગવાઈ હોય તો બતાવો.” તેમણે કહ્યું કે, “દેશનાં તમામ મુસ્લિમ ભાઈઓ-બહેનોને અપીલ છે કે, પહેલા ખુદ નાગરિકતા સંશોધન કાયદાને સમજો અને પછી બીજાઓને સમજાવે નહીં તો જૂઠ અને ભ્રમ ફેલાવનારા દળો પોતાની વૉટ બેંક અને સ્વાર્થ માટે આપણને આમ જ લડાવતા રહેશે.” શિમલામાં હિમાચલ પ્રદેશ સરકારનાં ૨ વર્ષ પૂર્ણ થવાના અવસર પર અમિત શાહે કહ્યું કે, “૧૯૫૦માં નહેરૂ લિયાકત કરાર થયો, જેની અંતર્ગત નક્કી થયું હતું કે, બંને દેશો લઘુમતીઓનું સંરક્ષણ કરશે. લાખો-કરોડો શરણાર્થીઓને કોઈ પુછી નહોતુ રહ્યું.” જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાને લઇને મોદી સરકારની પ્રશંસા કરતા શાહે કહ્યું કે, “આપણે બાળપણથી નારા લગાવતા હતા કે બે નિશાન, બે પ્રધાન અને બે સંવિધાન નહીં ચાલે. પરંતુ વર્ષો સુધી કંઇ ના થયું. પરંતુ આજે જમ્મુ-કાશ્મીરથી કલમ ૩૭૦ સમાપ્ત થઈ ગઈ છે. આજે તિરંગો કાશ્મીરમાં આકાશની ઊંચાઈઓને આંબતો શાનથી લહેરાઇ રહ્યો છે.”