(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે પુલવામા હુમલાની વરસી પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટિ્‌વટ કરીને સવાલ કર્યો હતો કે, આખરે આ હુમલાથી સૌથી વધુ ફાયદો કોને થયો, તેની તપાસમાં શું સામે આવ્યું અને સરકારમાં કયા વ્યક્તિને જવાબદાર ઠેરવાઇ છે. રાહુલ ગાંધીએ શહીદ જવાનોના પાર્થિવ શરીર વાળા તાબૂતોની તસવીર શેર કરતા ટિ્‌વટ કર્યું કે, આજે જ્યારે આપણે પુલવામા હુમલામાં શહીદ થયેલા ૪૦ જવાનોને યાદ કરીએ છીએ તો આપણે પુછવું જોઇએ કે, આ હુમલાથી સૌથી વધુ ફાયદો કોને થયો ? તેમણે સવાલ કર્યો કે, હુમલાની તપાસમાં શું બહાર આવ્યું ? હુમલા સાથે જોડાયેલી સુરક્ષા ખામીઓ માટે ભાજપની સરકારમાં અત્યારસુધી કોને જવાબદાર ઠેરવાયો છે? જોકે, રાહુલના સવાલ પર ભાજપના નેતાઓએ પણ તેમની સામે પ્રહાર કર્યા હતા અને કપિલ મિશ્રાએ પુછ્યું હતું કે, જો દેશે એવું પૂછી લીધું કે, ઇન્દિરા અને રાજીવની હત્યાથી કોને ફાયદો થયો તો શું જવાબ આપશો? ઉલ્લેખનીય છે કે, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેનાના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. ગત વર્ષે આ જ દિવસે થયેલા પુલવામા હુમલાની આજે પ્રથમ વરસી છે ત્યારે ભારતના રાજકીય પક્ષો વચ્ચે આજે પણ શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ આત્મઘાતી હુમલો કર્યો હતો. હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. આ દરમિયાન કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકારને સવાલ પૂછ્યો હતો કે આ હુમલાથી કોને ફાયદો થયો. જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં તેઓએ વધુ બે સવાલ પણ પૂછ્યા છે. રાહુલે ટિ્‌વટ કર્યું કે, હુમલાની તપાસમાં શું પરિણામ સામે આવ્યું ? રાહુલ ગાંધીએ હુમલામાં અનેક સુરક્ષા ચૂક ઉપર પણ કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યા છે. તેઓએ ટિ્‌વટ કર્યું કે હુમલો બીજેપીની સરકારના સમયે થયો હતો. સુરક્ષામાં અનેક ચૂક થઈ જેના માટે કોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે ?

રાહુલ ગાંધી, મોહંમદ સલીમે તપાસમાં વિલંબ અંગે પૂછતા પુલવામા હુમલાની વરસી પર ભાજપ-વિપક્ષ સામ સામે

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
સીઆરપીએફના ૪૦ જવાનોનો ભોગ લેનારા પુલવામા હુમલાની પ્રથમ વરસીએ રાહુલ ગાંધીના સવાલોથી રાજકીય તોફાન મચ્યું છે. રાહુલ ગાંધીએ શહીદ થયેલા જવાનોને ન્યાય આપવામાં વિલંબ અંગે સવાલો કર્યા અને સત્તાધારી પાર્ટીએ રાજકીય ફાયદા માટે હુમલાનો દુરૂપયોગ કર્યો હોવાનો પરોક્ષ આરોપ લગાવ્યો હતો. જોકે, ભાજપે આ નિવેદનને હળવાશથી લીધો ન હતો. રાહુલ ગાંધીને જૈશે મોહંમદના હિતરક્ષક ગણાવતા ભાજપે આરોપ લગાવ્યો હતો કે, ગયા વર્ષે પુલવામા હુમલામાં શહીદ થયેલાઓને શ્રદ્ધાંજલિ આપવાને બદલે કોંગ્રેસના નેતા ભાજપ પર જ નહીં પરંતુ સલામતી દળો સામે પણ સવાલ ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ પ્રશ્ન કર્યો હતો કે, પુલવામા હુમલાથી કોને વધુ ફાયદો થયો છે ત્યારેસત્તાધારી પક્ષે પણ તેમની સામે આકરા પ્રહાર કર્યા હતા. ભાજપના એક પ્રવક્તાએ રાહુલ ગાંધી પર જવાનોના અપમાનનો આરોપ લગાવ્યો હતો. શાહનવાઝ હુસૈને ટિ્‌વટ કર્યું કે, દેશ માટે બલિદાન આપનારા જવાનોનું આ અપમાન છે. કોંગ્રેસે ભૂતકાળમાં પણ આ કામ કરેલું છે અને દેશે તેમને આ ભૂલ માટે પાઠ ભણાવ્યો છે. રાહુલ ગાંધીની આ ટિપ્પણીથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવામાં પાકિસ્તાનને મદદ મળશે. બીજી તરફ કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા મોહંમદ સલીમે પુછ્યું હતું કે, એક વર્ષ બાદ પણ શહીદો માટે કોઇ સ્મારક બનાવ્યું છે, તેના બદલે ગુપ્તચર નિષ્ફળતા માટે ઇંટો અને મોર્ટાર હશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા.