(એજન્સી) તા.૯
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરૂવારે દાવો કર્યો હતો કે જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં દલિતો સાથે મારપીટ કરી તેમને કચડી નાખવામાં આવ્યા છે. દિલ્હીના જંતર-મંતર ખાતે એસસી-એસટી એક્ટને નબળા પાડવા વિરૂદ્ધ આયોજિત કરવામાં આવેલા દેખાવો દરમિયાન રાહુલ ગાંધીએ આ ટિપ્પણી કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો વડાપ્રધાન મોદીના હૃદયમાં દલિતો માટે સહેજ પણ જગ્યા હોત તો તેમની દલિતો માટેની નીતિઓ જુદી હોત. સીપીઆઈ(એમ) નેતા સીતારામ યેચુરીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે તેમના પુસ્તકમાં લખ્યું હતું કે, સફાઈકામ કરવામાં દલિતોને આનંદ આવે છે. આ તેમની વિચારધારા છે. તેમણે કહ્યું હતું કે દલિતોને અત્યાચારથી બચાવવા માટે એટ્રોસિટીનો કાયદો કોંગ્રેસ લાવી હતી અને અમારી પાર્ટી બધા સાથે મળીને તેનું રક્ષણ કરશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે આવું ભારત નથી ઈચ્છતા જ્યાં દલિતોને કચડવામાં આવતા હોય અને તેમની સાથે જાહેરમાં મારપીટ થતી હોય. અમે એવું ભારત ઈચ્છીએ છે કે જ્યાં દલિતો, ગરીબો, આદિવાસીઓ અને લઘુમતીઓ બધાનો વિકાસ થાય.