(એજન્સી) નવી દિલ્હી,તા.૨૮
પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને આરએસએસના કાર્યક્રમમાં નિમંત્રણ અપાયું હોવાના અહેવાલોને કોંગ્રેસ તરફથી રદિયો આપવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તાને જ્યારે આના સંદર્ભે સવાલ કરવામાં આવ્યો. ત્યારે આના સંદર્ભે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે આરએસએસ તરફથી હજી સુધી આવું કોઈ નિમંત્રણ મળ્યું નથી. જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક દ્વારા કોંગ્રેસ અધ્યક્ષને આમંત્રિત કરવામાં આવશે. તો નિશંકપણે આવા સવાલોનો જવાબ આપવામાં આવશે. સિંઘવીએ કહ્યું હતું કે તેમની પાસે કાલ્પનિક સવાલો માટે કોઈ જવાબ નથી. હાલ આ સંપૂર્ણપણે કાલ્પનિક છે. મહત્વપૂર્ણ છે કે આરએસએસ સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને અહેવાલ આવ્યા હતા કે આરએસએસના કાર્યક્રમમાં અલગ-અલગ વિચારધારાના લોકોને નિમંત્રિત કરાશે. માનવામાં આવે છે કે આવા લોકોમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સિવાય સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી સહીતના વિપક્ષી નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે. ભારતનું ભવિષ્ય- આરએસએસનો દ્રષ્ટિકોણ થીમ પર સરસંઘચાલક મોહન ભાગવતની લેક્ચર સીરિઝમાં વિપક્ષી દળના નેતાઓને આમંત્રિત કરવામાં આવશે તેવા તાજેતરમાં મીડિયા અહેવાલો આવ્યા છે.