(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે, સીબીઆઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનીતા અધિકારીએ ભાગડું આર્થિક અપરાધી વિજય માલ્યા વિરૂદ્ધની લૂકઆઉટ નોટિસને હળવી કરી હતી અને તેને દેશબહાર જવા માટે લીલીઝંડી આપી દીધી હતી. રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર લખ્યું કે, સીબીઆઇમાં ગુજરાત કેડરના અધિકારી એ.કે. શર્માએ માલ્યા વિરૂદ્ધની લૂકઆઉટ નોટિસને હળવી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે વધુ આરોપ લગાવ્યો હતો કે, ભાગેડું આર્થિક અપરાધી ડાયમંડના વેપારી નીરવ મોદી અને મેહૂલ ચોક્સીને દેશ બહાર ભગાડવામાં આ જ અધિકારીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ટિ્‌વટર પર તેમણે લખ્યું કે, ‘‘સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર એ.કે. શર્માએ માલ્યાની લૂકઆઉટ નોટિસ હળવીકરી તેને વિદેશ ભાગી જવામાં મદદ કરી. ગુજરાતના અધિકારી શર્મા સીબીઆઇમાં પીએમના માનીતા છે. આજ અધિકારી નીરવ મોદી અને મેહૂલ ચોક્સીના ભાગવાની યોજનામાં ઇન્ચાર્જ હતા. ઓહ…તપાસ !’’ બેંક લોનની છેતરપિંડી કર્યા બાદ વિદેશ ભાગી જનારા વિજય માલ્યાને મદદ કરવાનો અરૂણ જેટલી પર રાહુલ ગાંધી અને તેમની પાર્ટી આરોપ મૂકી રહી છે. કોંગ્રેસ જેટલીના રાજીનામાની માંગ કરી રહી છે અને માલ્યા કેવી રીતે ભાગ્યો તેની તપાસની માંગ કરે છે.