લોકોમાં એવી લાગણી છે કે તેમના પર એક વિચારસરણી થોપવામાં આવી રહી છે : કોંગ્રેસ પ્રમુખ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે એવો આક્ષેપ કર્યો છે કે સુપ્રીમકોર્ટ અને ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા વ્યવસ્થિત રીતે કબજે કરવામાં આવી રહી છે અને જણાવ્યું કે ભારતને એક વિચારધારા પર ચલાવી શકાય નહીં. શિક્ષણવિદો સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે લોકોમાં એવી લાગણી છે કે તેમના પર એક વિચારસરણી થોપવામાં આવી રહી છે. આરએસએસના વડા મોહન ભાગવતે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે અમે રાષ્ટ્રને સંગઠિત કરવાના છીએ. રાહુલ ગાંધીએ એવો પ્રશ્ન કરયો કે રાષ્ટ્રને સંગઠિત કરનાર મોહન ભાગવત કોણ છે ? રાષ્ટ્ર આપમેળે સંગઠિત થઇ જશે. આગામી બે મહિનામાં તેમનું સ્વપ્ન રોળાઇ જશે. સિરીફોર્ટ ખાતે સમગ્ર દેશમાંથી આવેલા અગ્રણી શિક્ષણવિદો સાથેની વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભારતના બે દ્રષ્ટિકોણ છે અને કોંગ્રેસનો દ્રષ્ટિકોણ ભારતમાં રહેતા લોકોનો બનેલો છે. ભારતને સમજવાનો એકમાત્ર માર્ગ ભારતના લોકો સાથે વાતચીત કરવાનો છે. તેમણે એવો આક્ષેપ કર્યો કે ભારતનો આરએસએસનો દ્રષ્ટિકોણ ‘ગોલ્ડન બર્ડ’ છે અને કોંગ્રેસ આ ગોલ્ડન બર્ડને એક પ્રોડક્ટ માને છે. પ્રોડક્ટ કે વસ્તુનો ઉપયોગ કરવો જોઇએ અને તેઓ નક્કી કરશે કે આ કોણ કરશે.