(એજન્સી) તા.ર૪
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમના મત વિસ્તાર અમેઠીની મુલાકાત દરમિયાન કરેલા સંબોધનમાં આક્ષેપ કર્યો હતો કે દેશના ‘ચોકીદાર’ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબો પાસેથી પૈસા છીનવી ઉદ્યોગપતિ અનિલ અંબાણીને આપી દે છે. તેમણે કહ્યું હતું કે દેશના ચોકીદારે ગરીબો, શહીદો અને ખેડૂતોના ખિસ્સામાંથી રૂા.ર૦,૦૦૦ કરોડ લઈ અનિલ અંબાણીના ખિસ્સામાં મૂકી દીધા છે. તેમણે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં ગરીબો અને ખેડૂતો રડી રહ્યા છે. હાલની સરકાર પસંદગીના પાંચથી દસ લોકોને બધા લાભો પહોંચાડી રહી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે અનિલ અંબાણી, વિજય માલ્યા અને લલિત મોદી જેવા લોકો બધા લાભો મેળવી રહ્યા છે. ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન બન્યા પછી ‘ચોકીદારજી’ સીધા ફ્રાન્સ ગયા હતા અને તે દેશના પ્રમુખ સાથે ડીલમાં સામેલ થયા હતા. મોદીજીએ કહ્યું એચએએલને છોડો અને અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપો. અમેઠીના સાંસદે કહ્યું હતું કે એચએએલ આ ક્ષેત્રમાં છેલ્લા ૭૦ વર્ષથી છે જ્યારે અંબાણીએ તેમના જીવનમાં ક્યારેય પણ વિમાન બનાવ્યું નથી અને તેમની રૂા.૪પ,૦૦૦ કરોડની લોન પણ બાકી છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જે કંપનીને કોન્ટ્રાક્ટ મળ્યો તે ડીલના ૧૦ દિવસ પહેલાં સ્થાપવામાં આવી છે. હું એ નથી જાણતો કે અનિલ અંબાણીને કેવી રીતે ખબર પડી કે તેમને કોન્ટ્રાક્ટ મળવાનો છે.