(એજન્સી) નવી દિલ્હી, તા. ૬
મધ્યપ્રદેશમાં નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે કોંગ્રેસના પ્રચારની શરૂઆત કરતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બુધવારે જણાવ્યું કે જો તેમનો પક્ષ મધ્યપ્રદેશમાં સત્તામાં આવશે તો ૧૦ દિવસમાં ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. રાજ્યના મંદસૌરમાં એક વર્ષ પહેલા ખેડૂતો પર થયેલા ગોળીબારની ઘટનાની પ્રથમ વરસીના પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ આક્રમક મિજાજમાં જોવા મળ્યા હતા. મંદસૌરમાં ‘કિસાન સમૃદ્ધ સંકલ્પ’ રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ હંમેશની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો સાથે દગો કર્યો છે. ેેેતેમણે મંચ પરથી જ એવી જાહેરાત કરી કે પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને ૧૦ દિવસમાં ન્યાય મળશે.અમે ગોળીબાર કરવા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરીશું. જો ખેડૂતો અને તેમના પરિવારોને સરકાર સુરક્ષઆ પુરી પાડી ન શકે તો, એવી સરકારો બેકાર છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ‘નીરવ ભાઇ’ અને ‘મેહુલ ભાઇ’ને નરેન્દ્ર મોદીજીએ ૩૦,૦૦૦ કરોડ રૂપિયા આપ્યા. આટલા નાણાથી તો મધ્યપ્રદેશના ખેડૂતોનું દેવું બે વાર માફ કરી શકાય છે.
મેક ઇન ઇન્ડિયાના પગલા અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભારતીય બજારો ચીનની વસ્તુઓથી ભરાયેલા હોવાથી મેક ઇન ઇન્ડિયા સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે. બધી જ વસ્તુઓ ચીની બનાવટની છે. આપણા વડાપ્રધાન ચીનના પ્રમુખ સાથે ગુજરાતમાં હિંચકા ખાય છે અને ચીનનું સૈન્ય ડોક્લામમાં ઘૂસી જાય છે. પરંતુ નરેન્દ્ર મોદી ચીનમાં એક શબ્દ પણ બોલતા નથી. મોદીજી જે મોબાઇલનો ઉપયોગ કરે છે તેની પાછળ લખેલું હોય છે – મેડ ઇન ચાઇના. તેમણે ભાજપ સરકાર સામે આરોપ મુક્યો ખે મોટા ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાનું દેવું માફ થઇ જાય છે પરંતુ ખેડૂતોના એક રૂપિયા પણ માફ થતા નથી. રાહુલ ગાંધીની રેલીમાં મધ્યપ્રદેશ કોંગ્રેસના વડા કમલનાથ અને ચૂંટણી ઇન્ચાર્જ જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂત સમુદાયને આકર્ષવા અને તેમની લાગણી ઉશ્કેરવાનો પ્રયાસ કરતા રાહુલ ગાંધીએ પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા ૬ ખેડૂતોના મોત અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ સામે પ્રશ્ન કર્યો અને શિવરાજ ચૌહાણના નેતૃત્વવાળી સરકાર સામે ખેડૂતોની ચિંતાઓ દૂર કરવામાં નિષ્ફળ નીવડવાનો આરોપ મુક્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે શિવરાજ શાસનમાં ખેડૂતોને બજારમાં ચેક મળે છે અને બેંકમાં જાય તો લાંચ આપવી પડે છે. તેમણે વાયદો કર્યો કે કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોેને બજારમાં જ નાણા ચુકવવામાં આવશે. તેમણે દરેક જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ ખોલવા અને તેમાં સ્થાનિક લોકોને રોજગાર આપવાનું પણ વચન આપ્યું છે.
તેમણે આરોપ મુક્યો કે પીએમ મોદીએ લોકોને વચન આપ્યું હતું કે પાકના પુરા ભાવ મળશે પરંતુ દગો કર્યો. પીએમ મોદીએ બે કરોડ યુવાઓને દર વર્ષે રોજગાર આપવા અને ૧૫ લાખ રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા કરાવવાનું વચન આપ્યું હતું. તેમણે આરોપ મુક્યો કે યુવાઓને રોજગાર આપવાને બદલે દરેક જગ્યાએ ચીનનો સામાન વેચવામાં આવી રહ્યો છે. પોતાના દાવાને મજબૂૂત બનાવવા માટે આંકડાકીય માહિતી આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે મધ્યપ્રદેશમાં આશેર ૧૨૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. તેમણે એવો પ્રશ્ન કર્યો કે શું લાખો કરોડો રૂપિયાનો દેવાદાર કોઇ ધનિક વ્યક્તિ કે તેના પરિવારના કોઇ સભ્યે આત્મહત્યા કરી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે મારૂં સ્વપ્ન છે કે જ્યારે ૫-૭ વર્ષમાં અમે અહીં આવીએ અને ફોન જોઇએ તો અમને ફોન પર ‘મેડ ઇન મંદસૌર’ લખેલું મળે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી અને શિવરાજ ચૌહાણ આ કામ કરી શકતા નથી. કમલનાથ અને સિંધિયા જ આ કામ કરી શકે છે.
રાહુલ ગાંધીની રેલીમાં ભારે સંખ્યામાં ખેડૂતો સામેલ થયા. ખેડૂતોમાં શિવરાજ ચૌહાણ અંગે ભારે નારાજગી છે. મંદસૌર ગોળીબારકાંડ બાદ ખેડૂતો ભડકી ગયા છે.

રાહુલની મંદસૌર રેલીમાં જવા સામે એસડીએમે ચેતવણી આપી : મૃતક ખેડૂતના પરિવારે કહ્યું

મધ્ય પ્રદેશના મંદસૌરમાં ગયા વર્ષે ખેડૂતોના આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા ખેડૂત અભિષેક પાટીદારના ભાઇ ૨૧ વર્ષીય સંદીપ પાટીદારે એવો આરોપ મુક્યો છે કે મંદસૌરમાં બુધવારે યોજાયેલી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની રેલીમાં ભાગ લેવા સામે સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટ (એસડીએમ) દ્વારા તેમને ચેતવણી આપવામાં આવી છે. સંદીપને તેના માતા-પિતાને પણ રાહુલ ગાંધીની રેલીમાં જતા અટકાવવાનું પણ કહેવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ભાનપુરા તહેસીલમાં સંદીપને નોકરી આપવામાં આવી છે. સંદીપે કહ્યું કે મંગળવારે રાત્રે એસડીએમની ઓફિસેથી તેનો ફોન કરવામાં આવ્યો હતો. તહેસીલદારના ડ્રાઇવરે તેને ફોન કર્યો હતો. એસડીએમ મારી સાથે વાત કરવા માગતા હતા અને ડ્રાઇવરે મને એસડીએમનો ફોન નંબર આપ્યો હતો. એસડીએમે મને ફોન પર કહ્યું કે તેમને ઉપરથી નિર્દેશ મળ્યા છે કે મને જાણ કરવામાં આવે કે તમારા પરિવારમાંથી આવતીકાલે કોઇ પણ ત્યાં જશે નહીં.ાા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

રાહુલ ગાંધી માટે ભારે સુરક્ષા વ્યવસ્થા

મધ્યપ્રદેશમાં મંદસૌર ગોળીકાંડની વરસી પર આજે બુધવારે રાહુલ ગાંધી મંદસૌરમાં છે. રાહુલ ગાંધીએ ખેડૂતોની એક રેલીને સંબોધન કર્યું અને કોંગ્રેસે આ રેલીને ખેડૂત સમૃદ્ધ સંકલ્પ રેલીનું નામ આપ્યું છે. મંદસૌરમાં આજના જ દિવસે એક વર્ષ પહેલા ખેડૂતો પર પોલીસે કરેલા ગોળીબારમાં ૬ ખેડૂત માર્યા ગયા હતા. રાહુલ ગાંધીની રેલીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. આશરે ૫૦ પોલીસ અધિકારી, સુરક્ષા દળોની પાંચ કંપનીઓ અને ૬૦૦ વધારના જવાનો તૈનાત છે. હવાઇ પટ્ટીથી સભાના સ્થળ સુધી ડ્રોન કેમરાથી પણ સતત નજર રાખવામાં આવશે. મંદસૌરના એસપી મનોજસિંહે જણાવ્યું કે એસપીજી બે દિવસ પહેલા આવી ગયા છે. આઇજીપી ઉજ્જૈન પ્રભારી છે. ૪૦-૫૦ એસપી-ડીએસપી છે અને ૬૦૦ જવાન લગાવવામાં આવ્યા છે. વિભિન્ન સ્થળોએ બેરિકેટ્‌સ લગાડવામાં આવ્યા છે. અર્ધ-સૈનિક દળો તૈનાત કરાયા છે. સાથે જ ત્યાં આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

રાહુલને ભેટી મધ્યપ્રદેશના ખેડૂતો રડી પડ્યા

મધ્ય પ્રદેશના મંદસૌરમાં ખેડૂતો પર થયેલા ગોળીબારની ઘટનાની પ્રથમ વાર્ષિક તિથિ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોની રેલીને સંબોધન કર્યું હતું. રેલી પહેલા રાહુલ ગાંંધીએ પોલીસ ગોળીબારમાં ગત વર્ષે માર્યાર્ ગયેલા મધ્ય પ્રદેશના પાટીદાર સહિતના ખેડૂતોના પરિવારજનો સાથે મુલાકાત કરી સંવેદના પ્રગટ કરી હતી. આ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને મૃતકોના પરિવારજનો રાહુલ ગાંંધીને ભેટીને રડી પડ્યા હતા.

સૈનિકોને પોતાના ગણવેશ અને જૂતા ખરીદવાનું કહી રહી છે સરકાર : રાહુલ

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર ‘પોકળ નારાઓ’નો આરોપ મુક્યો છે અને દાવો કર્યો કે સરકાર સૈનિકોને પોતાના ગણવેશ અને જૂતા ખરીદવાનું કહી રહી છે. એક મીડિયા રિપોર્ટને ટાંકીને રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરતા જણાવ્યું કે ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ માત્ર ‘પોકળ નારા’ અને ‘નિરર્થક વિશેષણ’નું નિર્માણ થઇ રહ્યું છે. જ્યારે સૈનિકોને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાના ગણવેશ અને જૂતા જાતે ખરીદે. રાહુલ ગાંધીએ ટાંકેલા મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે. સરકારી શસ્ત્ર અને દારૂગોળાના કારખાનાઓમાં પુરવઠામાં કાપ મુકવાનો નિર્ણય લીધો છે. અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે સરકારના આ પગલા પછી સૈનિકોને સામાન્ય બજારોમાંથી પોતાના ગણવેશ, અન્ય વસ્ત્રો અને જૂતા ખરીદવા માટે પોતાના નાણા ખર્ચવા પડશે.