(એજન્સી)
નવી દિલ્હી, તા.૫
રાફેલ સોદા મુદ્દે મોદી સરકાર અને અનિલ અંબાણી પર કટાક્ષ કરતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતનો સૌથી મોટો સંરક્ષણ કોન્ટ્રાક્ટ લેવા માટેના દાવેદારે ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનો ડિફોલ્ટર અને બિન અનુભવી હોવું જરૂરી છે. રાહુલ ગાંધીએ આ મામલે સ્વીડનની ટેલિકોમ કંપની એરિક્સનની સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીને પણ ટાંકી હતી જેમાં અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ પર બાકી લેણા અંગે તેણે કેસ કર્યો છે. એરિક્સનનો આરોપ છે કે, રિલાયન્સ કોમ્યુનિકેશન્સે ૫૫૦ કરોડ રૂપિયાનું બાકી લેણું ચુકવ્યું નથી. તેથી અનિલ અંબાણી સહિત કંપનીના બે અધિકારીઓના દેશ છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવે. રાહુલ ગાંધીએ પોતાના ટિ્‌વટમાં આ મીડિયા રિપોર્ટને ટેગ કરતા જણાવ્યું હતું કે, ભારતનો સૌથી મોટો સંરક્ષણ કોન્ટ્રાક્ટ સોંપવા માટે મોદીની કાર્યપ્રણાલી : ૧. ૪૫,૦૦૦ કરોડ રૂપિયાના ડિફોલ્ટર હોવું જરૂરી છે. ૨. અન્ય કંપનીઓ પાસેથી નાણાં લીધા હોય જે તેને ભારત નહીં છોડવા માટે સુપ્રીમ કોર્ટમાં ગઇ હોય. ૩. પીએમ દ્વારા તેમને ભાઇ કહેવાતા હોય પણ કોઇ ચોક્કસ અનુભવ ન હોય. કોંગ્રેસ રાફેલ સોદામાંથી અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવે છે પણ ભાજપ તેને સતત નકારે છે.