(એજન્સી) તા.૨૬
સીબીઆઈ લાંચ પ્રકરણમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે યુદ્ધ ચાલુ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે સીબીઆઈના વડા આલોક વર્માની સત્તાઓ પાછી ખેેેંચી લેવાના વિરોધમાં વિપક્ષો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનોનું નેતૃત્ત્વ કર્યું હતું. રાહુલે કહ્યું હતું કે, રાફેલ સોદાની તપાસથી બચવા માટે આવું કરવામાં આવ્યું છે. કોંગ્રેસ કાર્યકરો તેમના વરિષ્ઠ નેતાઓ સાથે લગભગ અગ્યાર વાગે લોધી રોડ સ્થિત દયાલસિંહ કોલેજની બહારથી કૂચ શરૂ કરી હતી, જ્યારે તેઓ સીબીઆઈ મુખ્યાલય પહોંચ્યા ત્યારે તેમને બેરિકેડ વડે રોકવામાં આવ્યા, તે દરમિયાન રાહુલ ગાંધીએ બેરિકેડ પર ચઢી જઈ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ત્યારબાદ ધરપકડ વહોરવા માટે તે લોધી રોડ સ્થિત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બપોરે બે વાગે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, મોદી સરકારના નિર્ણયનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ સહિત અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાર્ટી સીબીઆઈના વડા વિરૂદ્ધ આપવામાં આવેલા આદેશને પરત લઈ સરકાર સમગ્ર દેશની માફી માંગે તેવી માગણી કરશે. કોંગ્રેસની સીબીઆઈ મુખ્યાલય તરફથી કૂચમાં જનતાદળ(યુ)ના પૂર્વ નેતા શરદ યાદવ અને સીપીઆઈના નેતા ડી.રાજા પણ જોડાયા હતા. પ્રદેશ પ્રમુખ રાજ બબ્બરની આગેવાનીમાં ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટીએ પણ લખનૌમાં સીબીઆઈ કાર્યાલય તરફ કૂચ કરી હતી, તો બિહાર કોંગ્રેસના કાર્યકરોએ પટણામાં સીબીઆઈ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યા હતા અને કર્ણાટક કોંગ્રેસે પણ બેંગ્લુરૂ સ્થિત સીબીઆઈ કાર્યાલય સામે દેખાવો કર્યા હતા. લોધી રોડ પોલીસ સ્ટેશનની બહાર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “વડાપ્રધાને રૂા.૩૦ હજાર કરોડ અનિલ અંબાણીના ખિસ્સામાં નાખી દીધા છે. વડાપ્રધાન ખેડૂતોનું એક રૂપિયાનું દેવું માફ નથી કરી શકતા. વડાપ્રધાને ભ્રષ્ટાચાર કર્યો છે.” તેમણે કહ્યું હતું કે, “વડાપ્રધાન સત્યથી ભાગી શકતા નથી. દેશનો ચોકીદાર ચોર છે.”

CBI વિવાદ : રાહુલે કહ્યું, કોંગ્રેસ પાર્ટી
દેશના ચોકીદારને ચોરી નહીં કરવા દે

(એજન્સી) તા.૨૬
“ગલી ગલી મેં શૌર હૈ, ચોકીદાર ચોર હૈ”ના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, “વડાપ્રધાન ભાગી શકે છે, તે સંતાઈ પણ શકે છે, પરંતુ અંતમાં સત્ય સામને આવીને જ રહેશે. સીબીઆઈના ડાયરેક્ટરને હટાવી દેવાની વડાપ્રધાનને બચવામાં કોઈ મદદ નહીં મળે. વડાપ્રધાને સીબીઆઈ ડાયરેક્ટર વિરૂદ્ધ જે કૃત્ય કર્યું છે, તે ગભરાટમાં કરેલું કૃત્ય છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈના વડા આલોક વર્મા કથિત રાફેલ કૌભાંડની તપાસ કરવાના હતા કે, સરકારે રાતોરાત તેમને રજા પર ઉતારી દઈ તેમની બધી સત્તાઓ છીનવી લીધી હતી. વર્માએ સરકારના આ મનસ્વી નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી હતી કે, અમે સીબીઆઈ વિરૂદ્ધ નહીં, પરંતુ વડાપ્રધાન મોદી વિરૂદ્ધ આક્રમણ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટી દેશના ચોકીદારને ચોરી કરવા નહીં દે” રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, રાફેલ વિશેની તપાસ એ આલોક વર્માને પદ પરથી હટાવવાનું મુખ્ય કારણ છે. સીબીઆઈ તપાસના કારણે રાફેલ વિશેની બધી જ બાબતો સ્પષ્ટ થઈ ગઈ હોત.