(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
દિલ્હીન તાલકટોરા સ્ટેડિયમમાં ઓબીસી સંમેલનને સંબોધિત કરતા કોેંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, લોન માફ થશે તો ફક્ત ૧૫ લોકોની પણ ખેડૂતોની લોન માફ નહીં થાય. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, એક વર્ષમાં મોદીએ ઉદ્યોગપતિઓને ૨.૫ લાખ કરોડ રૂપિયા આપી દીધા છે પરંતુ ખેડૂતોને એક રૂપિયો પણ આપ્યો નથી. તેમની લોન માફ થવાની નથી. તેમણે કહ્યું કે, કેમ અમારા ખેડૂતો અને નાના ધંધા કરનારાઓ માટે બેંક ખુલે છે ? ઓબીસી સમુદાયો વચ્ચે કૌશલ્યની કમી નથી પરંતુ તેઓની પાસે નાણા નથી. આજે હિંદુસ્તાન એક પ્રકારે બે-ત્રણ નેતાઓનો ગુલામ બની ગયો છે.
રાહુલ ગાંધીએ ટોણો મારતા કહ્યું કે, હિંદુસ્તાનમાં કામ કોઇ કરે છે અને ફાયદો કોઇ બીજાને થાય છે. રાહુલે લોકોને પુછ્યું કે, તમે કોકા-કોલા કંપનીનું નામ તો સાંભળ્યું જ હશે. તમે જાણો છો કે આ કંપનીનો માલિક પહેલા અમેરિકામાં પાણીમાં સાકર ભેળવીને શિકંજી વેચતો હતો. તેની સ્કીલ બહાર પડતા તેને નાણા પણ મળવા લાગ્યા. ત્યારબાદ તેણે કોકા-કોલા કંપની બનાવી. આ રીતે મેકડોનાલ્ડ કંપની અથવા તેના માલિક પહેલા ઢાબા ચલાવતા હતા. તેમણે પુછ્યું કે, ભારતમાં ઢાબા ચલાવનારા કોઇ વ્યક્તિએ કંપની બનાવી છે ખરી. તેમણે કહ્યું કે, જે ઢાબા ચલાવે છે, જે કારીગર છે જે કામ કરે છે તેને સરકાર કાંઇ આપતી નથી. આપણા લોકો માટે બેંક અને રાજનીતિના દરવાજા બંધ છે. ભાજપના જ સાંસદો કહે છે કે, અમે અમે લોકસભામાં બેઠા છીએ પરંતુ અમારી વાત સાંભળવામાં આવતી જ નથી. ફક્ત આરએસએસની વાત સાંભળવામાં આવે છે. રાહુલે કહ્યું કે, ભારતના વડાપ્રધાન કહે છે કે અહીં કૌશલ્યની કમી છે જે ખરેખર જુઠ્ઠાણું છે. ઓબીસી વર્ગમાં સ્કીલની કોઇ કમી નથી. તેઓ દરેક રીતે પાવરધા છે. મોદીએ બે કરોડ લોકોને રોજગાર આપવા જેવા વાયદા કર્યા, આઠ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આજે ભારતમાં છે. આજે વડાપ્રધાન રોજગારી અને સ્કીલની વાતો નથી કરતા. ભાજપની રણનીતિ સ્પષ્ટ છે. પૂરેપૂરો ફાયદો ફક્ત ૧૫-૨૦ લોકોને જ જશે. તેમાં ઓબીસી, ખેડૂતો આદિવાસીઓ, કોઇની નહીં ચાલે.

‘જે શિકંજી ભાજપ વેચી રહ્યો છે તેની મીઠાશ કોંગ્રેસે તૈયાર કરી છે’

રાહુલ ગાંધીએ ઓબીસી સંમેલનમાં જણાવ્યું હતું કે, ભારતમાં કામ કોઇ કરે છે અને તેનો ફાયદો કોઇને મળે છે. વધતી ગરમી માટે મોદી સરકાર પર વ્યંગ કરતા ભાજપ સરકારની સિદ્ધિઓ પર પોતાની પાર્ટીનો દાવો કરતા તેમણે કહ્યું કે, જે શિકંજી ભાજપ વેચી રહ્યો છે તેની મીઠાસ કોંગ્રેસે તૈયાર કરી છે. કોંગ્રેસ પાર્ટી છેલ્લા ૭૦ વર્ષમાં પછાતો માટે કામ કરતી રહી છે. કોંગ્રેસ અનામતના મુદ્દા પર હંમેશા કામ કરતી રહી છે પછી તેમાં રોજગાર હોય કે શિક્ષણ. ઉલ્લેખનીય છે કે, કોેંગ્રેસ ‘સંવિધાન બચાવો અભિયાન’ અંતર્ગત દલિતોનો વિશ્વાસ જીત્યા બાદ ઓબીસી સમાજમાં પોતાની પકડ મજબૂત કરવા માટેના પ્રયાસ કરી રહી છે.