(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રાફેલ સોદાની પ્રક્રિયા અને કિંમતો અંગે સુપ્રીમ કોર્ટમાં વિગતો આપવા અંગે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર કટાક્ષ કરતા ટિ્‌વટમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટમાં પોતાની ભૂલ કબૂલી લીધી છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા સરકારે રાફેલ લડાકુ વિમાન ખરીદવાની કિંમતોની વિગતો સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને સુપરત કરી હતી. રાફેલ સોદાની કિંમતોનો ખુલાસો કરવાના ઇન્કાર કર્યા બાદ કેન્દ્ર સરકારે સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને જાણકારી આપવાની સાથે જ રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટમાં મોદીજીએ પોતાની ચોરી કબૂલી લીધી છે, સોગંદનામામાં તેમણે કબૂલાત કરી છે કે, તેમણે એરફોર્સના પુછ્યા વિના કોન્ટ્રાક્ટ બદલ્યો હતો અને ૩૦,૦૦૦ કરોડ રૂપિયા અનિલ અઁબાણીના ખિસ્સામાં નાખી દીધા હતા. પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત…’
અહેવાલો અનુસાર સુપ્રીમ કોર્ટમાં આપેલા દસ્તાવેજમાં સરકાર દ્વારા વિગતવાર રાફેલ વિમાનોની કિંમતો સાથે એમ પણ જણાવ્યું છે કે, સોદામાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કેમ પાછળ રહી ગઇ અને અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપની કંપનીની ફ્રાન્સની વિમાન નિર્માણ કંપની દસોલ્ટ એવિએશન સાથે થઇ. સરકારે કહ્યું કે, ફ્રાન્સ સાથે ૩૬ લડાકુ વિમાનોની ખરીદીમાં ૨૦૧૩ની સુરક્ષા ખરીદી પ્રક્રિયાનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવ્યું છે અને સારી શરતો પર વાતચીત કરવામાં આવી છે. આ સાથે જ કેન્દ્રએ કહ્યું છે કે, મંત્રીમંડળની સુરક્ષા બાબતોની સમિતીએ પણ મંજૂરી આપી હતી. આ સોગંદનામાનું શિર્ષક ‘૩૬ લડાકુ વિમાન ખરીદવાના આદેશ આપવા માટે નિર્ણય લેવાની પ્રક્રિયામાં ઉઠાવાયેલા પગલાંની વિગતો’ છે.