(એજન્સી) રાયપુર, તા. ૧૭
છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો પ્રચાર કરતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે પીએમ મોદી વિજય માલ્યા, નીરવ મોદી અને અનિલ અંબાણી જેવા ઉદ્યોગપતિઓને નાણા આપે છે જ્યારે તેમનો પક્ષ ખેડૂતોની કૃષિ લોન માફ કરીને નાણા રાજ્યના ખેડૂતોને આપશે. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે વડાપ્રધાને નોટબંધી અમલી બનાવીને તેમના ધનિક મિત્રોને બચાવ્યા છે અને ગરીબો અને ઇમાનદાર લોકોને સહન કરવું પડ્યું છે. તેમણે એવો આરોપ મુક્યો કે નરેન્દ્ર મોદીએ ગણ્યાગાંઠ્યા ધનિકો લોકોની ૩.૫ લાખ કરોડની લોન માફ કરી છે પરંતુ ખેડૂતોની લોન માફ કરી નથી. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનશે ત્યારે, મોદીજી તમે ૧૦ દિવસ ગણજો, કોંગ્રેસ ૧૦ દિવસમાં છત્તીસગઢના દરેક ખેડૂતની લોન માફ કરશે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓએ લોન માફ કરવા માટે નાણાના સ્ત્રોત વિશે અગાઉની યુપીએ સરકારને પ્રશ્નો કરતા હતા. મોદીજી છત્તીસગઢના ખેડૂતોની લોન માફ કરવા માટે નાણા વિજય માલ્યા, નીરવ મોદી અને અનિલ અંબાણી જેવા લોકો પાસેથી આવશે અને તેમના નાણા લઇશું તેમ જ ખેડૂતોની લોન માફ કરીશું. તેમણે એવો આક્ષેપ કર્યો કે લિકર બેરન વિજય માલ્યા બેંકોના ૧૦,૦૦૦ કરોડ રૂપિયા અને નીરવ મોદી તેમ જ મેહુલ ચોકસી ૩૫,૦૦૦ કરોડ રૂપિયા લઇને દેશમાંથી ભાગી ગયા. તેમણે એવું પણ કહ્યું કે કોંગ્રેસ ખોટા વાયદા કરતી નથી. જે કહે છે તે કરી બતાવે છે. તમે મારા ભાષણો જોઇ શકો છો. છત્તીસગઢ વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ૨૦મી નવેમ્બરે મતદાન થવાનું છે ત્યારે શનિવારે સરગુજા ક્ષેત્રના કોરિયા જિલ્લામાં એક ચૂંટણી સભાને સંબોધતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે મોદીજીએ કાળા નાણા સામે લડાઇ લડવાનું કહ્યું હતું. જેમણે પોતાના ઓશિકાની નીચે, ઘરમાં પૈસા બચાવીને રાખ્યા હતા તેઓ બધા ચોર હતા અને મોદીજીએ એ બધા ચોરો સામે કાર્યવાહી કરી. તેમણે કહ્યું કે હું તમને બતાવી દઉં તમે ચોરી કરી નથી. ચોરી એ વ્યક્તિએ કરી છે જે તમને ચોર કહી રહી છે. તેમનું નામ નરેન્દ્ર મોદી છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે આજકાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારની વાત કરતા નથી. પાકિસ્તાનમાં નવાઝ શરીફ વડાપ્રધાન હતા. પનામા પેપરમાં તેમનું નામ નીકળ્યું. પાકિસ્તાનમાં નવાઝ શરીફને જેલની સજા થઇ ગઇ પરંતુ છત્તીસગઢમાં રમણસિંહના પુત્રે વિદેશી બેંકમાં નાણા જમા કરાવ્યા. કોઇ સજા ન થઇ, કોઇ તપાસ ન થઇ. છત્તીસગઢની ચૂંટણીના પરિણામ ૧૧મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે અમે ક્યારેય જુઠા વાયદા કર્યા નથી. અમે જે કહ્યું હતું તે કર્યુ. અમે મનરેગા આપ્યું, ભોજપનનો અધિકાર આપ્યો અને માહિતીનો અધિકાર આપ્યો. તેમણે કહ્યું કે યુપીએ સરકારે ખેડૂતોની ૭૦ હજાર કરોડ રૂપિયાની લોન માફ કરી. મારી વાત ન સાંભળો, મારો રેકોર્ડ જુઓ. રમણસિંહજીએ બે વર્ષનું બોનસ છિન્યું, અમે એ પણ ખેડૂતોને આપીશું. આ છત્તીસગઢના ખેડૂતોને ભેટ નથી. આ ખેડૂતોના પૈસા છે અને અમે એ પૈસા તેમને પરત આપીશું.