(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર પર ચૂંટણી પંચ અને સીબીઆઇ જેવી મહત્વની સંસ્થાઓના કામકાજમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણીવાળા મિઝોરમના પાટનગર ઐઝવાલમાં એક સભાને સંબોધતા ગાંધીએ કહ્યું કે, રાજ્યપાલ કે ઉપકુલપતિ બનવા માટેના પ્રમાણ તરીકે આરએસએસના વ્યક્તિ હોવું પુરતું છે. તેમણે રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના આરોપોને યાદ અપાવ્યા હતા અને કહ્યું કે, વડાપ્રધાન મોદીએ લોકોના નાણા લૂંટી લીધા અને પોતાની જાહેરાતોમાં વાપર્યા છે. રાહુલ ગાંધીના આરોપોને સરકારે નકાર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મોદી સરકાર આયોજન પંચ, આરબીઆઇ, સીબીઆઇ અને ચૂંંટણી પંચના કામકાજમાં દખલ કરે છે. સુપ્રીમ કોર્ટના ચાર જજોએ પણ કહ્યું હતું કે, સરકારની દખલને કારણે તેઓ તેમની ફરજ યોગ્ય રીતે બજાવી શકતા નથી. જાન્યુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટના ચાર સૌથી વરિષ્ઠ જજો જસ્ટિસ ચેલમેશ્વર, રંજન ગોગોઇ, એમબી લોકૂર અને કુરિયન જોસેફે એક પત્રકાર પરિષદ બોલાવી કહ્યું હતું કે, ટોચની કોર્ટમાં બધું બરાબર ચાલી રહ્યું નથી. જોકે, હાલ જસ્ટિસ રંજન ગોગોઇ મુખ્ય ન્યાયાધીશ છે. ચંફાઇમાં એક સભાને સંબોધતા રાહુલ ગાંધીએ ભાજપના વૈચારિક મેન્ટર પર પ્રહાર દરમિયાન કહ્યું કે, રાજ્યપાલ કે યુનિવર્સિટીના ઉપકુલપતિ હોવા માટે આરએસએસના વ્યક્તિ હોવાનું પ્રમાણ પુરતું છે. રાહુલે મિઝોરમ ચૂંટણીમાં ભાજપ સાથે કથિત કામ કરતા વિપક્ષ એમએનએફ પર પણ પ્રહાર કર્યા હતા. છેલ્લા ૧૦ વર્ષથી પોતાની પાર્ટી રાજ્યમાં સત્તામાં હોવાને વધાવતા તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય સરેરાશ કરતા મિઝોરમની માથાદીઠ આવક વધારે છે. આ બધું લોકો, ચર્ચો અને નાગરિક સમાજના સહિયારા પ્રયાસથી થયું છે.