(એજન્સી) ઉદયપુર, તા. ૧
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઇક અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રહાર કરતા જણાવ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક ખરેખર સૈન્યનો નિર્ણય હતો પરંતુ વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઇકને પણ રાજકીય સંપત્તિ બનાવી દીધી અને તેનાથી રાજકીય લાભ ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી આર્મીના કાર્યક્ષેત્રમાં ઘૂસી ગયા હતા. ઉદયપુરના વેપારીઓ અને વ્યાવસાયિકો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે શું તમે જાણો છો કે નરેન્દ્ર મોદીની સર્જિકલ સ્ટ્રાઇકની જેમ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ તેમના શાસનકાળ દરમિયાન ૩ વાર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી ? સૈન્યે મનમોહનસિંહ પાસે આવીને કહ્યું કે પાકિસ્તાને જે કૃત્યો આચર્યા છે તેના માટે આપણે તેને જવાબ આપવો પડશે, સાથે જ તેમણે કહ્યું કે આપણા ઉદ્દેશ માટે આ સીક્રેટ રાખવું પડશે. રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો કે દેશના મહત્વના અને મોટા નિર્ણયો વિશે મનમોહનસિંહ હંમેશ વિપક્ષને વાકેફ કરતા હતા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારેય પણ છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસ વડાને બોલાવ્યા નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસન દરમિયાન ૨૬-૧૧નો હુમલો થયો ત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે તે વખતના ભાજપના નેતા એલકે અડવાણીનો કોલ કર્યો હતો. તેઓ એવું માનતા હતા કે વિપક્ષે જાણવું જોઇએ કે શું થઇ રહ્યું છે પરંતુ મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં મોદીએ મને ક્યારેય બોલાવ્યા નથી. તેમણે એવું પણ કહ્યું કે મોદી એવું માને છે કે તેઓ બધું જ જાણે છે.