(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
એનડીએ સરકાર સામે આકરા પ્રહારો કરતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ખેડૂતોની લોન માફ નહીં કરે ત્યાં સુધી તેમને ઉંઘવા દઇશ નહીં. વિપક્ષ ખેડૂતોની લોન માફ કરવા માટે કેન્દ્ર ખાતેની નરેન્દ્ર મોદી સરકારને મજબૂર કરશે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોદીએ જે કામ સાડા ચાર વર્ષમાં ન કર્યું તે અમે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ૬ કલાકમાં કરી બતાવ્યું છે. રાહુલ ગાંધીએ ખેડૂતોને ખાતરી આપી છે કે તેમના હિતોનું ધ્યાન રાખવામાં આવશે. દેશને ગરીબ અને ધનિક એમ બે ભાગમાં વહેંચવાનો નરેન્દ્ર મોદી સરકાર સામે આરોપ મુકાત રાહુલ ગાંધીએ જણાવ્યું કે સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે ખેડૂતોનો એક રૂપિયો પણ માફ કર્યો નથી. કેન્દ્ર સરકાર માત્ર ધનિકોનું ધ્યાન રાખે છે. મોદી સરકારે અનિલ અંબાણી સહિત દેશના ટોચના ૧૫ ઉદ્યોગપતિઆને આપવામાં આવેલી લોન અંગે આંખો બંધ કરી લીધી છે. મોદી સરકારે છેલ્લા સાડા ચારવ વર્ષમાં ખેડૂતોના દુઃખ અને પીડા ઘટાડવા માટે કશું જ કર્યું નથી. કોંગ્રેસ પક્ષ ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડશે. ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોની લોન માફીનું વચન આપવામાં આવશે. જો લોકસભાની આગામી ચૂંટણીઓ સુધી નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોની લોન માફ નહીં કરે તો અમે ૧૦૦ ટકા ગેરન્ટી સાથે આ કામ કરીશું. સંસદની બહાર એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ ખેડૂતોની લોન માફી, રાફેલ જેટ ફાઇટર સોદા અને નોટબંધી અંગે સરકાર સામે પ્રહારો કરીને ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે રાજકીય બ્યુગલ ફુંક્યું હતું. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ખેડૂતોની લોન ૧૦ દિવસમાં માફ કરવાની જાહેરાત કરી હતી. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસના વિજય બાદ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સરકારની રચના થયાના કલાકોમાં જ બંને રાજ્યોની સરકારે ખેડૂતોના લોના મફીની જાહેરાત કરી દીધી છે. બંને રાજ્યોના મુખ્યપ્રધાનો દ્વારા લોનમાફીની જાહેરાત કરવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ ઉપરોક્ત જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સરકારની રચનાના કલાકોમાં જ ખેડૂતોની લોન માફીની કરવામાં આવેલી જાહેરાતથી કેન્દ્ર સરકારની અને ભાજપની ઉંઘ હરામ થઇ ગઇ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ખેડૂતોની લોન માફ કરવામાં અમારી રાજ્ય સરકારોને થોડાક જ કલાકો લાગ્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે સરકારે ખેડૂતો અને નાના દુકાનવાળાઓના નાણા ચોરાવી લીધા છે. સુપ્રીમમકોર્ટમાં રાફેલ ચુકાદા અંગેના સરકાર સામે પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે ટાઇપિંગની ભૂલો સાથે હવે બધું બહાર આવશે. રાફેલ સોદા અંગે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા તપાસની અમે માગણી કરી રહ્યા છીએ. તેમણે એવું પણ કહ્યું કે તમે જેપીસીથીે તપાસ કરાવો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે અમે બધા મુદ્દાઓ અંગે ચર્ચા કરીશું પરંતુ હવે તેઓ ચર્ચા કરવાથી ભાગી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુક નોટબંધીને દેશનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે વડાપ્રધાને નોટબંધી અને ખેડૂતોની લોન માફીમાંથી પસંદગી કરવાની હતી પરંતુ વડાપ્રધાને તેમના ઉદ્યોગપતિ મિત્રોને નાણા આપવા માટે નોટબંધીની પસંદગી કરી હતી.
જોકે, રાહુલ ગાંધીએ ૧૯૮૪ના શીખ વિરોધી હુલ્લડોના કેસમાં સજ્જન કુમારને દોષિત ઠરાવવા અંગેના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે હુલ્લડો અંગે મેં મારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે અને આ પહેલા હું આ બાબતે કહી ચુક્યો છું. આ પત્રકાર પરિષદ દેશના ખેડૂતો માટે યોજવામાં આવી છે અને વડાપ્રધાન મોદીએ ખેડૂતોની લોનમાંનો એક રૂપિયો પણ માફ કરવાનો ઇનકાર કરી દીધો છે.

કોંગ્રેસના નિર્ણયની સાઇડ ઇફેક્ટ : આસામમાં પણ ખેડૂતોની ૨૫ ટકા લોન માફીની જાહેરાત

મધ્યપ્રદેશ અને આસામમાં કોંગ્રેસની સરકાર બન્યાના ૬ કલાકમાં જ ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે ભાજપ પણ કોંગ્રેસના માર્ગે ચાલ્યો છે. લોકસભાની ચૂંટણીઓ યોજાવાના થોડાક મહિનાઓ પહેલા જ આસામની ભાજપ સરકારે ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરી છે. આ લોન માફીનો ફાયદો આસામના ૮ લાખ ખેડૂતોને મળી શકે છે. આસામના ખેડૂતોની લોન માફીથી સરકાર પર ૬૦૦ કરોડ રૂપિયાનો વધુ બોજો પડશે. આસામ સરકારના પ્રવક્તા અને સંસદીય બાબતોના પ્રધાન ચંદ્ર મોહન પટવારીએ જણાવ્યું કે યોજના મુજબ સરકાર ખેડૂતોની લોનના ૨૫ ટકા (મહત્તમ ૨૫,૦૦૦ રૂપિયા) માફ કરશે. તેમણે એવું પણ કહ્યું કે આ યોજનાનો લાભ પીએસયુ બેંકો અને કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી લોન લેનારા ખેડૂતોને જ લાભ મળશે. સોમવરે રાત્રે યોજાયેલી કેબિનેટની બેઠકમાં અન્ય એક વ્યાજ રાહત યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ ૧૯ લાખ ખેડૂત આગામી વર્ષથી ઝીરો વ્યાજ દરે લોન લેવા માટે અરજી કરી શકશે. તેમણે કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં ખેડૂતોને મહત્તમ ૨૫,૦૦૦ રૂપિયાની લોન માફી માટે બજેટમાં જોગવાઇ કરવી પડશે.