(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્ષના અંતિમ દિવસે પણ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષમાં બેંકોને ૪૧,૧૯૭ કરોડ રૂપિયાની છેતરપિંડીને લઇ કોંગ્રેસના અધ્યક્ષે ટિ્‌વટ કર્યું છે કે, ‘ચોકીદારનો વેશ, ચોરોનું કામ, બેંકોના ૪૧,૧૬૭ કરોડ રૂપિયા જીગરી મિત્રોને સોંપ્યા’. રાહુલ ગાંધીએ પોતાની ટિ્‌વટમાં ૪૧,૧૬૭ કરોડ રૂપિયાની રકમથી થનારા નાણાકીય કામોને પણ ટાંક્યા હતા. તેમણે લખ્યું કે, ‘૪૧,૧૬૭ કરોડ રૂપિયામાં મનરેગા સમગ્ર વર્ષ સુધી ચલાવી શકાય, ત્રણ રાજ્યોના ખેડૂતોનું દેવું માફ કરી શકાય અને ૪૦ એઇમ્સ ખુલી જાય.’
રાહુલ ગાંધીએ આ આરોપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે આરબીઆઇના એક રિપોર્ટના આધારે લગાવ્યા છે જેમાં ઉલ્લેખ કરાયો છે કે, વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન છેતરપિંડી કરીને લોકોએ બેંકો પાસેથી ૪૧,૧૬૭.૭ કરોડ રૂપિયા લૂંટ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ રકમ પાછલા વર્ષની સરખામણીએ ૭૨ ટકા વધુ છે. પાછલા વર્ષે બેંકોએ આ પ્રકારની છેતરપિંડીમાં ૨૩,૯૯૩ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.બેૅકોના રૂપિયા ગુમાવવાનો પ્રવાહ સતત ચાલુ જ છે. વર્ષ ૨૦૧૩-૧૪માં બેંકોએ ૧૦,૧૭૦ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. પાછલા ચાર વર્ષમાં બેંકોમાં થનારી છેતરપિંડીની રકમ ચાર ગણી વધી ગઇ છે. બેંકોમાંથી જેટલા રૂપિયા ફ્રોડ થયા છે તેમાંથી ૫૦ કરોડથી વધુ રૂપિયાની હિસ્સેદારી ૮૦ ટકા છે. ફ્રોડના ૯૩ ટકા કેસ સરકારી બેંકોમાંથી થયા છે. પ્રાઇવેટ બેંકોનો રેકોર્ડ આના કરતા સારો છે.