(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
રાફેલ મુદ્દે મોદી સરકાર પર પોતાના પ્રહાર ચાલુ રાખતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ તમામ ભારતીયોને અપીલ કરી છે કે, ફ્રાન્સ સાથે ફાઇટર જેટના કરાર મુદ્દે સંસદમાં તેમણે ઉઠાવેલા સવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓને પુછે. રાહુલ ગાંધીએ ટિ્‌વટમાં કહ્યું કે, રક્ષા મંત્રી(આરએમ) સંસદમાં બે કલાક બોલ્યા પણ તેમને પુછેલા બે સરળ સવાલના જવાબ ના આપ્યા. સંસદમાં તેમણે સંરક્ષણ મંત્રી સામે મુકેલા બે સવાલનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.
રાહુલ ગાંધીએ પુછ્યું હતું કે, અનિલ અંબાણીને ભાગીદારીનો કોન્ટ્રાક્ટ કોણે આપ્યો અને જ્યારે વડાપ્રધાન સોદા માટે બાયપાસ સર્જરી કરી રહ્યા હતા ત્યારે સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે મંત્રી સીતારમણને આ મુદ્દે હા કે નામાં જવાબ આપવા કહ્યું હતું. ટિ્‌વટર એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, આ વીડિયોને જુઓ અને શેર કરો. હવે દરેક ભારતીય આ સવાલો પીએમ અને તેમના મંત્રીઓને પૂછે. તેમણે હેશટેગમાં લખ્યું ‘૨ સવાલ દો જવાબ’. સંસદમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, બોફોર્સ કૌભાંડે કોંગ્રેસને ડુબાડી દીધી જ્યારે રાફેલ મોદીને ફરી સત્તામાં લાવવામાં મદદ કરશે. રાફેલ મુદ્દે તેમણે કોંગ્રેસ પર આરોપ મુક્યો હતો કે, તેઓ આ કોન્ટ્રાક્ટનો વિરોધ એ માટે કરી રહ્યા છે કારણ કે, તેઓ આમાંથી નાણા મેળવી શક્યા નહીં. કોંગ્રેસે મોદી સરકાર પર યુપીએ સરકારના સમયમાં થયેલા સોદામાં ફેરફાર કરીને ૩૬ વિમાન ખરીદવાના સોદામાં ગેરરીતિનો આરોપ મુક્યો હતો. સાથે જ તેણે સોદામાં અનિલ અંબાણીની તરફેણ કરવાનો સરકાર પર આરોપ મુક્યો હતો.