(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત રાજ્ય વિપક્ષી નેતાઓએ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીના સ્વાસ્થ્યમાં સુધારા માટેની શુભેચ્છા પાઠવી છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરતા કહ્યું કે, “આ મુશ્કેલ સમયમાં હું અને સમગ્ર કોંગ્રેસ પક્ષ આપના તેમજ આપના પરિવાર સાથે છે.” વિપક્ષી નેતાઓની આ પ્રતિક્રિયા જેટલી સારવાર અર્થે અમેરિકા રવાના થયા હોવાના સમાચાર બાદ આવી છે. અહેવાલો મુજબ કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ નિયમિત તપાસ માટે જેટલી અમેરિકા ગયા છે. આ સમાચાર બાદ રાહુલ ગાંધી, નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લા, રાજદ સુપ્રીમો લાલુ યાદવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમ્‌ સહિત વિપક્ષના નેતાઓએ સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમે પોતાના ટિ્‌વટમાં કહ્યું કે, “હું તેમના શીઘ્ર અને સંપૂર્ણપણે સ્વસ્થ થવાની કામના કરૂં છું. બારમાં અને પછીથી સાથી સાંસદ તરીકે જેટલીને વર્ષોથી જાણનારાઓમાંના એક તરીકે હું પોતાના તમામ વકીલ સાથીઓ અને સાંસદો તરફથી તેમના વહેલી તકે સ્વસ્થ થવાની આશા રાખું છું.” ઉલ્લેખનીય છે કે, આગામી ૧ ફેબ્રુઆરીના રોજ જેટલીએ પોતાનું છઠ્ઠુ અને તત્કાલીન સરકારનું અંતિમ અંદાજપત્ર રજૂ કરવાનું છે. બીજી તરફ દિલ્હી એઈમ્સમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહને સ્વાઈન ફ્લૂ અને કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદને શ્વાસમાં તકલીફને કારણે દાખલ કરાયા છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધી અને અરૂણ જેટલી ખૂબ જ કટ્ટર રાજકીય હરીફો છે. રાફેલ મુદ્દે બંનેએ એક-બીજા માટે કડવાશભર્યા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેટલીએ રાહુલ ગાંધીને “કલાઉન પ્રિન્સ” (વિદૂષક રાજકુમાર) ગણાવ્યા હતા.