(એજન્સી)
ભુવનેશ્વર, તા. ૨૫
નરેન્દ્ર મોદી પર રોજ એક કે બે પ્રહારો કરનારા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ તેમની સામે લડશે પણ તેમને નફરત નહીં કરે. ભુવનેશ્વરમાં ઓડિશા ચર્ચામાં તેમણે કહ્યું કે, મને સમજાયું છે કે, મોદી મારી સાથે સહમત નથી અને હું તેમની સાથે સહમત નથી, હું તેમની સામે લડીશ અને સમજાવવાનો પ્રયાસ કરીશ કે તેઓ વડાપ્રધાન નહીં હોય તો પણ તેમને નફરત નહીં કરૂં. તેમના મતેથી હું તેમને સાચી વાત જણાવીશ. તેમણે એવું પણ કહ્યું કે, જ્યારે પણ મોદી તેમના પર પ્રહાર કરે છે ત્યારે તેઓને ભેટવાન અનુભવ થાય છે. હું મોદી સામે જોવું છું અને જ્યારે તેઓ મારૂં અપમાન કરે છે ત્યારે તેમને ભેટવાનો અનુભવ થાય છે. તેઓ કોંગ્રેસ પાર્ટીથી હતાશ છે. હું આ વાત જાણતો હોવા છતાં તેમની સામે ગુસ્સે ભરાતો નથી. આ અમારી સંસ્કૃતિ છે, અમે કોઇનાથી નફરત કરતા નથી.
જુલાઇ મહિનામાં લોકસભામાં પોતાના સ્થાનેથી ચાલીને વડાપ્રધાન મોદીને ભેટવાના રાહુલ ગાંધીના પગલાંથી ઘણા આશ્ચર્યમાં મુકાયા હતા જ્યારે મોદી સ્તબ્ધ થઇ ગયા હતા. આ ભેટ બાદ રાહુલ ગાંધીએ તેમની બાજુમાં બેઠેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને મટકું માર્યું હતું જેનાથી ભાજપના નેતાઓ ગિન્નાયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ અને આરએસએસે અત્યારસુધી મને ગાળો જ આપી છે પણ તેમાંથી હું ઘણું બધું શીખ્યો છું. મને બહુ ફાયદો થયો છે. હું મોદીથી નફરત નથી કરતો પણ મારી અને તેમની વિચારધારા અલગ છે. ભાજપ અને આરએસએસ દ્વારા મારા માટે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા તે મારા માટે સૌૈથી મોટી વાત છે. તેમણે મને સૌથી મોટી ભેટ આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર હેઠળના મંત્રીઓ આરએસએસના અંકુશમાં છે. આરએસએસની છાપ સરકારના દરેક વિભાગમાં દેખાય છે અને આ સંગઠન દેશના દરેક સંસ્થાઓમાં ઘુસણખોરી કરવા અને તેના પર અંકુશ લગાવવા માગે છે.
ભુવનેશ્વરમાં આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ હતુ કે આજે નાના વેપારીઓ મુશ્કેલીઓમા છે.લાખો કરોડો રુપિયાનુ ઉદ્યોગપતિઓનુ દેવુ માફ કરી દેવાય છે અને ખેડૂતોની મદદ કરવામાં આવતી નથી.વડાપ્રધાન મેક ઈન ઈન્ડિયાની વાત કરે છે અને ૨૪ કલાકમાં ૪૫૦ નોકરીઓ પણ પેદા થતી નથી.જ્યારે ચીનમાં એક દિવસમાં ૫૩૦૦૦ નોકરીઓ પેદા થાય છે.અમે નરેન્દ્ર મોદી જેવા નથી કે બધુ જાણતા હોવાનો દેખાવ કરીએ.અમે લોકો સાથે વાત કરીને આગળ વધીએ છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, “ભારતમાં રોજગારનું સંકટ છે. સમસ્યા છે કે અહીં રોજગારી માટે નવી તક નથી મળી રહી. ચીન બધાંને પછાડી રહ્યું છે. ચીનમાં ઓટોમેશન રોજગાર ઊભી કરવાની સમસ્યા કેમ ન બની? જ્યારે હું માનસરોવર ગયો મને ત્યાં અનેક મંત્રીઓ મળ્યાં તેઓએ કહ્યું કે નવા રોજગાર ઊભા કરવામાં કોઈ જ સમસ્યા નથી. મુળ મુદ્દો એ છે કે જો તમે ઉત્પાદન કરી રહ્યાં છો અને ટેકનિક સાથે જોડાયેલાં છે તો કોઈ જ સમસ્યા નથી.”

કોંગ્રેસમાં વરૂણ ગાંધી માટે “નો એન્ટ્રી”

લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પહેલા રાજકીય અટકળોનો દોર શરૂ થઇ ગયો છે. ભાજપના સાંસદ વરૂણ ગાંધી કોંગ્રેસમાં સામેલ થશે તેવી અટકળો પર કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેમને આ વાતની કોઇ માહિતી નથી. રાહુલ ગાંધીએ ભુવનેશ્વરમાંથી કહ્યું હતું કે, વરૂણ ગાંધી કોંગ્રેસમાં સામેલ થઇ રહ્યા હોવાની અટકળોની મને કોઇ જાણકારી નથી. ભુવનેશ્વરમાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીને સવાલ કરાયો હતો કે, શુ વરૂણ ગાંધી કોંગ્રેસમાં સામેલ થઇ રહ્યા છે.તેના જવાબમાં વરૂણ ગાંધીએ કહ્યું કે, મેં આ અટકળો સાંભળી નથી. ઉલ્લેખનીય છે કે, વરૂણ ગાંધી રાહુલ ગાંધીના પિતરાઇ ભાઇ છે અને ભાજપમાંથી સાંસદ છે. વરૂણ ગાંધીના માતા મેનકા ગાંધી છે જેઓ મોદી સરકારમાં કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં વરૂણ ગાંધીને અલગ રાખવામાં આવી રહ્યા છે. એવી ચર્ચા પણ છે કે, વરૂણને ભાજપમાં કોઇ મહત્વ આપવામાં આવતું નથી. પાછલા વર્ષના અંતમાં પાંચ રાજ્યોની ચૂંટણીઓમાં પણ તેઓ પ્રચારથી દૂર રહ્યા હતા.

બીજેપી, બીજેડી સરખા ; નવીન પટનાયક મોદીનું બીજું રૂપ : રાહુલ ગાંધી

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બીજું રૂપ ગણાવ્યા હતા અને ભારતીય અર્થતંત્ર માટેના રૂપને બહાર રખાયું છે. ભુવનેશ્વર ખાતે એક હોલમાં સંવાદ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારના કેસોને કારણે નવીન પટનાયકનો લાભ લે છે. નવીન પટનાયકે દિલ્હીમાં મૂક રીતે નરેન્દ્ર મોદીને સમર્થન કર્યું છે અને અમે ઓડિશામાં નરેન્દ્ર મોદીના રૂપ સામેલડી રહ્યા છીએ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, બીજેપી અને બીજેડી એકસરખા જ છે. ગુજરાત મોડલ તરીકે તેને સામાન્ય સોદો કહેવાય છે. રાજ્યના મોટા ઉદ્યોગપતિઓ મુખ્યમંત્રીની જાહેરાતો માટે નાણા રોકે છે. જ્યારે મુખ્યમંત્રી રાજ્ય ચલાવવા માટે રાજ્ય સરકારના કેટલાક ચાવીરૂપ અમલદારો તેમને સોંપી દે છે. આ વાતચીતમાં લોકોનો અવાજ સામેલ નથી. કેન્દ્ર અને ઓડિશા સરકારને અમલદારશાહી સરમુખત્યારશાહી ગણાવીને રાહુલ ગાંધીએ કહ્યું કે, પટનાયક નિરંકુશ છે અને સત્તાનું કેન્દ્રીયકરણ કરે છે પણ નરેન્દ્ર મોદી જેટલા નફરતભર્યા નથી.

એરપોર્ટ ખાતે સીડીઓ પરથી પડી ગયેલા ફોટોગ્રાફરને રાહુલ ગાંધીએ હાથ પકડીને ઉઠાવ્યો, ટિ્‌વટર પર પ્રશંસા

(એજન્સી) ભુવનેશ્વર, તા. ૨૫
૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ પહેલા રાજકીય હલચલ વધી ગઇ છે અને રાજકીય પક્ષો દરરોજ અનેક સભાઓ કરી રહ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઓડિશાના પ્રવાસે ગયા હતા. જ્યારે તેઓ ભુવનેશ્વર એરપોર્ટ પરથી બહાર આવી રહ્યા હતા ત્યારે એરપોર્ટ બહાર પત્રકારો અને ફોટોગ્રાફરો તેમની રાહ જોઇને ઉભા હતા અને ધક્કામુક્કી વચ્ચે આગળ જવા માગતા હતા. આ દરમિયાન એક ફોટોગ્રાફર સીડીઓ પરથી ફસડાઇ ગયો હતો. ફોટોગ્રાફરને નીચે પડેલો જોઇને રાહુલ ગાંધી તરત તેની પાસે ગયા હતા અને તેને હાથ આપીને ઉઠાવ્યો હતો. આ ઘટના કેમેરામાં કંડારાઇ ગઇ હતી જેને સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધી તેની મદદે આવતા તેમની સાથે રહેલા ગાર્ડ પણ તેમની સાથે દોડ્યા હતા. કેટલાક લોકોને પહેલા એવું લાગ્યું કે, કોંગ્રેસના અધ્યક્ષને ઇજા થઇ છે. રાહુલ ગાંધી ફોટોગ્રાફરને ઉઠાવીને મદદ કરતા હોવાનો વીડિયો ટિ્‌વટર પર પણ ખુબ શેર થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના આ પગલાંથી ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે.