(એજન્સી) મુંબઇ, તા. ૧૩
મહારાષ્ટ્રના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો મુકાબલો કરવા માટે વિપક્ષી દળોનું મહાગઠબંધન બનાવવાની કવાયતને જનતાની ભાવના ગણાવી હતી. રાહુલ ગાંધીનું આ નિવેદન સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો માટે કોંગ્રેસ દ્વારા ઇફતાર પાર્ટીના આયોજનની જાહેરાત બાદ આવ્યું છે. પીએમ મોદી અને સત્તાપક્ષ પર પ્રહારો કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન અને ભાજપ દેશના બંધારણ અને અન્ય સંસ્થાનો પર હુમલા કરી રહ્યા છે. તેમણે મુંબઇમાં પત્રકારોને જણાવ્યું હતું કે, આવી ભાવના ફક્ત ભાજપ વિરોધી રાજકીય દળોની જ નહીં પરંતુ જનતાની પણ છે કે મહાગઠબંધન બને જે ભાજપ, આરએસએસ અને વડાપ્રધાન મોદીનો મુકાબલો કરી શકે. જો કે, તેમણે વિપક્ષી દળોના મહાગઠબંધનનું નેતૃત્વ કોણ કરશે તે અંગે મૌન સાધ્યું હતું.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન મોદી અને આરએસએસ દેશના બંધારણ પર હુમલો કરી રહ્યા છે અને વિવિધ સંસ્થાનોને ખતમ કરી રહ્યા છે, લોકો સામે હવે એ સવાલ છે કે, આને કેવી રીતે રોકવામાં આવે. ૪૭ વર્ષના કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું કે, તેમની પાર્ટી આ અવાજોને એક સાથે લાવવાનો પ્રયાસ કરી રહી છે અને આ દિશામાં કામ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી મહારાષ્ટ્રના બે દિવસના પ્રવાસે છે. તેમણે કહ્યું કે, વિપક્ષ વડાપ્રધાન મોદી સમક્ષ પેટ્રોલ અને ડીઝલની કિંમતોને જીએસટીના દાયરામાં લાવવાનું કહી રહ્યું છે પરંતુ તેઓને આમાં રસ નથી. તેમણે કહ્યું કે, નોટબંધી દ્વારા મુંબઇ પર હુમલો કરવામાં આવ્યો. અહીં નાના ઉદ્યોગ અને વેપારીઓ છે. અહીં ચામડાનો ઉદ્યોગ અને કપડાંનો ઉદ્યોગ છે. આના પર ગબ્બરસિંહ ટેક્ષ દ્વારા હુમલો કરવામાં આવ્યો. સમગ્ર દેશ દુઃખી છે, નાના ઉદ્યોગકારો દુઃખી છે અને અમે તેમના માટે લડી રહ્યા છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે, યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ(યુપીએ)ના શાસનમાં કાચા તેલની કિંમતો પ્રતિબેરલ ૧૩૦ ડોલર હતી જે હવે નીચે આવીને ૭૦ ડોલર પ્રતિબેરલ થઇ ગઇ છે, રાહુલ ગાંધીએ કહ્યું કે તેમ છતાં તેનો લાભ આમ આદમીને નથી અપાયો. આ તમામ નાણાં ૧૫-૨૦ અમીર લોકોના ખિસ્સામાં જાય છે. આ પહેલા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, મોદી સરકાર સમાજમાં નફરત અને ભાગલા પાડી રહી છે તથા દેશમાં યુવાઓની સાથે-સાથે ખેડૂતોને પણ દગો આપી રહી છે. મુંબઇના બૂથ લેવલના કોંગ્રેસ કાર્યકરોને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, મોદી ફક્ત કેટલાક ઉદ્યોપતિઓના ચોકીદાર છે સમગ્ર દેશના લોકોના નહીં. તેમણે મોદી પર ભાજપના કેટલાક વરિષ્ઠ નેતા અટલબિહારી વાજપેયી, એલકે અડવાણી અને જસવંતસિંહ તથા તેમના પરિવારોનું અપમાન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, આ ભારતીય સંસ્કૃતિની સુરક્ષા કરવાની તેમની રીત છે.