(એજન્સી) અજમેર, તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વધુ એક આક્રમક પ્રહાર કરતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, તેમણે ખેડૂતોને લોનમાફીના જુઠ્ઠા વાયદાઓ કર્યા પરંતુ ઉદ્યોગપતિઓ અને બેંકોના બાકીના નાણા માફ કરી દીધા. રાજસ્થાનના અજમેરમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવા દળની બેઠકને સંબોધતા ગાંધીએ કહ્યું કે, સમાજનો દરેક તબક્કો પછી તે ખેડૂત હોય, યુવાનો હોય કે નાના વેપારીઓ હોય તમામ લોકો મોદી સરકારનો ભોગ બન્યા છે અને તેમને ન્યાય મળવો જ જોઇએ. કોંગ્રેસ જ્યારે રાજસ્થાનમાં સત્તામાં પરત ફરી ત્યારે તેણે ખેડૂતોની લોન માફ કરી દીધી. જ્યારે વડાપ્રધાન મારૂં,મારા પરિવાર અને કોંગ્રેસ પાર્ટીનું અપમાન કર્યું છે ત્યારે હું સંસદમાં તેમને ભેટ્યો હતો. પ્રેમ દ્વારા જ નફરતને હરાવી શકાય છે. તેમનામાં નફરત ભરેલી છે અને મારામાંના પ્રેમે તેમની નફરતને હરાવી દીધી છે. રાજસ્થાનના અજમેરમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધતા રાહુલે કહ્યું કે, મોદીને મારા પ્રત્યે નફરત હતી જેને મેં તેમને ભેટીને ખતમ કરી દીધી. તેમણે કોંગ્રેસ કાર્યકરોને પણ કહ્યું કે ભાજપ અને આરએસએસમાં રહેલી નફરતની સામે પ્રેમથી લડો. કોંગ્રેસ ૨૦૧૯માં ભાજપને હરાવવા માગે છે પણ તેને સમાપ્ત કરવા માગતી નથી. જો ભાજપ અને આરએસએસ તમારૂં અપમાન કરે તો તમે તેમની સામે પ્રેમથી લડો. મોદી હંમેશા હું, મારા પરિવાર અને કોંગ્રેસ પાર્ટી પ્રત્યે નફરત રાખે છે અને કહે છે કે તેઓ કોંગ્રેસને ખતમ કરી નાખશે. બીજી બાજુ હું સંસદમાં તેમની પાસે ગયો અને ભેટી પડ્યો હતો. ગયા વર્ષે ટીડીપી દ્વારા લોકસભામાં પીએમ મોદી સામે અવિશ્વાસ દરખાસ્ત લવાઇ ત્યારે રાહુલ ગાંધી પોતાના ભાષણ બાદ નરેન્દ્ર મોદીને ભેટી પડ્યા હતા ત્યારે મોદી ચોંકી ગયા હતા. ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ પોતાના સ્થાને બેસી ગયા અને આંખ મટકાવી હતી. આનાથી ભાજપના સભ્યો ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે, આવી બાબત સંસદમાં સાંખી લેવાય નહીં.