(એજન્સી) તા.ર૩
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીના જવાહલાલ નહેરૂ સ્ટેડિયમ ખાતે વિદ્યાર્થીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી અને પૂછાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે અર્ધસૈનિક બળના જવાનોને શહીદનો દરજ્જો આપવાના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે કોંગ્રેસ શાસનમાં આવશે તો તેમને શહીદનો દરજ્જો આપશે. રાહુલ ગાંધીએ મોદી સરકારને વિવિધ મુદ્દે આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે સરકારે ઉદ્યોગપતિનું કરોડો રૂપિયાનું દેવું માફ કરે છે. પરંતુ ખેડૂતોના દેવા માફ થયા નથી. આ દરમ્યાન તેમણે કહ્યું કે બેરોજગારી દેશમાં ગંભીર સમસ્યા છે. પરંતુ વડાપ્રધાન તે સ્વીકારવા તૈયાર નથી. જો રોજગાર પર ધ્યાન આપવામાં આવે તો આપણે ચીનને પણ પછાડી શકીએ છીએ. તેમને કહ્યું કે સરકાર દેશની બેરોજગારી સ્વીકારવા જ તૈયાર નથી. વિદ્યાર્થીઓના શિક્ષણ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકતા રાહુલે કહ્યું કે સરકાર શિક્ષણ સંસ્થાઓમાં હસ્તક્ષેપ કરી શિક્ષણના બજેટમાં ઘટાડો કરીને તેને નષ્ટ કરી રહી છે. તેમણે કહ્યું કે આજે યુનિ.ઓમાં કુલપતિના પદ પર એક સંગઠનની વિચારધારાના લોકોને બેસાડવામાં આવી રહ્યા છે. તેઓ હિન્દુસ્તાનની શિક્ષણ પ્રણાલીને તેમના હાથની કઠપૂતળી બનાવવા માગે છે. તેમણે વડાપ્રધાનને આહવાન કર્યું કે મારી સાથે બેરોજગારી, રાફેલ મુદ્દે વાત કરો અને મારી સાથે વાત ન કરવી હોય તો દેશના યુવાઓ સાથે ચર્ચા કરો. તેમણે મોદી પર હુમલો કરતા કહ્યું કે ભાષણો છોડો અને દેશમાં ફેલાયેલ નફરતના વાતાવરણમાં પ્રેમનો સંદેશ આપો તો પરિસ્થિતિ સુધરી શકે છે. જો નેતૃત્વ દિશા આપે તો વધારે સારૂં થઈ શકે છે. આપણા દેશની ભાઈચારાની પ્રકૃતિ છે. તેમણે કહ્યું કે તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતામાં વિશ્વાસ રાખે છે. કોઈ ભૂલ કરે તો તેને સુધારી પણ શકાય છે. નફરતના માહોલમાં વડાપ્રધાને પ્રેમનો સંદેશ આપવો જોઈએ. તેમણે કહ્યું કે નફરતથી માત્ર હિંસા અને વિનાશ પ્રવર્તે છે. તેમણે ભાવુક થતા કહ્યું કે હિંસામાં મેં મારા દાદી અને પિતા ગુમાવ્યા. વિનાશનો એક માત્ર ઉકેલ પ્રેમ જ છે.