(એજન્સી) ઈમ્ફાલ, તા.૨૦
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અહીં ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું કે, અમે નાગરિકતા સુધારા બિલને પસાર નહીં કરાવીશું. અમે તમારા રાજ્યની સંસ્કૃતિ અને ઈતિહાસનું રક્ષણ કરીશું. એમણે વડાપ્રધાન મોદી ઉપર આક્ષેપો કરતા કહ્યું કે, એમણે નોકરીઓ આપવાના વચનને પૂર્ણ કર્યા નહીં એના બદલે ર૦૧૮ના વર્ષમાં એમણે ૧ કરોડ નોકરીઓ નાશ કરી હતી, જે એમની અક્ષમતા દર્શાવે છે. મણિપુરમાં મતદારોને આકર્ષવા રાહુલે કહ્યું કે, રાજ્યને વિશેષ દરજ્જો અને ઔદ્યોગિક નીતિઓનું પુનઃ સ્થાપન કરવામાં આવશે. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો અમે ઉત્તર-પૂર્વના રાજ્યોને અપાયેલ વિશેષ રાજ્યનો દરજ્જો પુનઃ સ્થાપિત કરીશું. એમણે મણિપુર યુનિવર્સિટીમાં નિમણૂક પામેલ વાઈસ ચાન્સેલરના મુદ્દે કહ્યું કે, કેન્દ્ર સરકારે મણિપુરમાં વી.સી.ને થોપ્યો છે. એમની લાયકાત ફક્ત એ છે કે, શોર્ટ પહેરે છે. હાથમાં લાકડી લે છે અને નફરત ફેલાવનારી વાતો કરે છે. મણિપુરમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન એમણે કહ્યું કે, વડાપ્રધાન કચેરીને જાહેરાત મંત્રીની કચેરી બનાવી દીધી છે.