(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,મહુવા,તા.૧પ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાવનગર જિલ્લાના મહુવામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને વિજય વિશ્વાસ સંકલ્પ સભામાં સંબોધન કર્યું હતું. સૌરાષ્ટ્રની ત્રણ લોકસભા બેઠક અમરેલી, જૂનાગઢ અને ભાવનગર એમ ત્રણે બેઠકો માટેની આ વિશાળ સભામાં રાહુલ ગાંધીને સાંભળવા ગામે ગામથી લોકો ઉમટી પડયા હતા અને અંગ દઝાડતી ગરમી હોવા છતાં લોકોએ ચાલતી પકડવાને બદલે ગરમીમાં પણ બેસી રહેવાનું મુનાસીબ માન્યું હતું.
મહુવાના વીજપડી નજીક આસરણા ચોકડી ખાતેની સભામાં મોડા પડવા બદલ રાહુલ ગાંધીએ સૌ પ્રથમ ઉપસ્થિત લોકોની માફી માંગી જણાવ્યું હતું કે, આવી આગઝરતી ગરમીમાં તમે મને સાંભળવા કલાકો બેસી રહ્યા તે બદલ દિલગીર છું અને તમે ખરેખર અભિનંદનને પાત્ર છો. એમ જણાવ્યા બાદ પ્રવચનની શરૂઆત કરતા રાહુલ ગાંધીએ વિજય વિશ્વાસ સંકલ્પ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપની સરકારે દેશના લોકોના દિલ પર ઘા કર્યા છે. પરંતુ કોંગ્રેસની સરકાર બનશે તો પ્રજાના અને ખેડૂતોના દિલનું દર્દ દૂર કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પ્રજાએ મોદી પર ભરોસો કરી વડાપ્રધાન બનાવ્યા ગુજરાતે તો તમામ ર૬ બેઠકો આપી મોકલ્યા પ્રજાને ભરોસો હતો કે કંઈક કરશે પરંતુ તેમણે મોટા વાયદા સિવાય કંઈ કર્યું નથી. વર્ષે ર કરોડને રોજગારી, દરેકના ખાતામાં ૧પ લાખ બધું જ ખોટુ નીકળ્યું. નોટબંધી અને જીએસટી લાગુ કરી અર્થતંત્રના ચીથરાં ઉડાવી નાખ્યા. દરરોજ અમે સાંભળીએ છીએ કે કોઈ એક ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે જો ભારત સરકાર ધારે તો દર વર્ષે રપ કરોડ લોકોને રૂા.૭ર હજાર આપી શકે છે.
મોદી પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાન અદાણી અને અંબાણીના ચોકીદાર છે. તેઓએ ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા જયારે અમારી કોંગ્રેસની સરકારોએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોના દેવા માફ કર્યા. ન્યાય યોજના અગે તેમણે જણાવ્યું હતું કે, જો અમે ચૂંટણી જીતીશું તો ન્યાય યોજના લાગુ કરીશું. ન્યાય યોજનાના નાણાં માલ્યા, મોદી, ચોકસી જેવા ચોરોના ખાતામાંથી આવશે. નરેન્દ્ર મોદીએ પ વર્ષમાં કરેલા અન્યાય માટે અમે ન્યાય યોજના લાવ્યા છીએ. જે ર૦૧૯ની ચૂંટણી જીતવાની સાથે જ લાગુ કરવામાં આવશે. મેં કહ્યું હતું કે, કોંગ્રેસની સરકાર લાવો તો હું ખેડૂતોના દેવા માફ કરીશ. જે ત્રણ રાજયોમાં કરી શકયા પરંતુ ગુજરાતમાં ન કરી શકયા હવે જયાં પણ અમારી સરકાર બનશે ત્યાં અમે ખેડૂતોના દેવા માફ કરીશું. હાલના શાસનમાં મોટા અરબપતિ ચોરોને જેલ થતી નથી પરંતુ ખેડૂતો લોન ભરપાઈ ન કરે તો જેલ થાય છે. અગાઉ એક જ બજેટ બનતું હતું. પરંતુ કોંગ્રેસની સરકાર આવશે તો બે બજેટ એક નેશનલ બજેટ અને એક કોંગ્રેસ બજેટ જેમાં ખેડૂતોના દિલનું દર્દ દૂર કરાશે.