(એજન્સી) કન્નૂર, તા. ૧૮
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર બનવા બદલ આકરા પ્રહાર કરતા તેમના પર દેશના ભાગલા પાડવાનો આરોપ મુક્યો હતો. કોંગ્રેસ દેશદ્રોહી બની ગઇ હોવાના મોદીના આરોપનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કેરળમાં પ્રચાર દરમિયાન મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, સૌથી જુની પાર્ટીનો ઇતિહાસ છે કે, દેશ પર હુમલા કરનારા દળો સામે તે લડે છે. આવા દળો સામે લડવામાં હજારો કોંગ્રેસ કાર્યકરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે દેશના ભાગલા પાડવાનું કામ કરતા મોદીનું કૃત્ય સૌથી વધુ દેશદ્રોહી કૃત્ય છે. પત્રકાર પરિષદમાં રાહુલે જણાવ્યું કે, કૃષિ વ્યવસ્થાને પાંગળી બનાવવી, ખેડૂતોને આત્મહત્યા કરવા પ્રેરવા મોદીનું વધુ એક દેશદ્રોહી કૃત્ય છે. યુવાઓ પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે તે વધુ એક દેશદ્રોહી કૃત્ય છે. મોદી આ તમામ બાબતોમાં નિષ્ફળ ગયા છે અને હવે આનો જવાબ આપવાનો સમય છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકસભા ચૂંટણીઓમાં ત્રણ મુદ્દા ગાજી રહ્યા છે જેમાં ભારતીય અર્થતંત્રની કમર તુટી, મોદનો અંગત રીતે મોટો ભ્રષ્ટાચાર અને ખેડૂતોની અવદશા સામેલ છે. તેમણે કહ્યું તેઓ જાય છે ત્યારે અમે આગામી સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. રાહુલ ગાંધી પત્રકાર પરિષદ પુરી કરી રહ્યા હતા ત્યારે વધુ પ્રશ્નો પુછાતા તેમણે પાછા આવી ફરી બેસી હસીને કહ્યું કે, શા માટે વડાપ્રધાન મોદી કેરળ, ઓડિશા અને દિલ્હીના મીડિયાનો સામનો કરવાની હિંમત દેખાડતા નથી ? રાહુલ ગાંધીએ કેરળમાં પોતાની વાયનાડ બેઠક સહિત પાંચ લોકસભા બેઠકો પર પ્રચાર કર્યો હતો.