ભૂજ,તા.ર૦
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી તા.ર૩મી એપ્રિલે યોજાનાર છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભૂજનાં મીરઝાપુર રોડ પર આવેલા મેદાનમાં જંગી સભા સંબોધી હતી. તેમજ કોંગ્રેસના લોકસભા ઉમેદવાર નરેશ મહેશ્વરીને મત આપી જીતાડવા અપીલ કરી હતી.
પ્રારંભમાં માજી સાંસદ ઉષાબેન ઠક્કર, માજી ધારાસભ્ય મહેશ ઠક્કર, શિવજી આહીર, વાલજી દનિયા, ઈબ્રાહીમ મંધરા, પ્રદેશ મંત્રી જુમા રાયમા, વાગડના અગ્રણી ભચુભાઈ અટેકિયા, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ, આદમ ચાકી, નવલસિંહ જાડેજા વગેરે ઓએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
રાહુલ ગાંધીનું ફુલહારથી કોંગી હોદ્દેદારોએ સન્માન કર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને રાષ્ટ્રીય ખજાનચી અહેમદ પટેલે નરેશ મહેશ્વરીને જીતાડવા અપીલ કરી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીએ જંગી સભાને સંબોધીને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સુધી જ વડાપ્રધાન છે. ત્યારબાદ તેમનાં નામની આગળ માજી વડાપ્રધાન શબ્દ ઉચ્ચારાશે. ઉપરાંત ભાજપના ૧પ લાખ રૂપિયાના વાયદા સામે કોંગ્રેસ અધ્યક્ષે શાબ્દિક પ્રહારો કર્યા હતા.