(એજન્સી) જાલોર,તા.રપ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છેલ્લા પાંચ વર્ષોમાં દેશના લોકો સાથે અન્યાય કરવાનો આક્ષેપ કરતા ગુરૂવારે કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો બધાની સાથે ન્યાય થશે અને એક હિન્દુસ્તાન સૌનું હિન્દુસ્તાન હશે. આ સાથે સાથે કોંગ્રેસ અધ્યક્ષે દેશના સૌથી ગરીબ પ કરોડ પરિવારોના બેંક ખાતામાં વાર્ષિક રૂા.૭ર,૦૦૦ જમા કરાવવાની, તેમજ મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ આપવાની વાત કરી હતી. થારની ભરબપોરે અહીં યોજાયેલી એક જાહેરસભાને સંબોધતા રાહુલ ગાંધીએ નોટબંધી અને જીએસટીને ગરીબોના ખિસ્સામાંથી પૈસા ખંખેરવાનો રસ્તો ગણાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ અર્થવ્યવસ્થાને બે આંચકા આપ્યા પહેલા નોટબંધી કરી અને ત્યાર બાદ જીએસટી લાગુ કર્યો. મોદીએ નોટબંધી અને જીએસટી વડે મજુરો અને નાના દુકાનદારોના ખિસ્સામાંથી પૈસા છીનવી લીધા છે. રાહુલે કહ્યું હતું કે, કોંગ્રેસની ન્યાય યોજના હેઠળ પાંચ કરોડ બેંક ખાતામાં વાર્ષિક રૂા.૭ર,૦૦૦ જમા કરવાથી ફકત ગરીબોને જ મદદ નહીં મળે પરંતુ સાથે સાથે ખેડૂતો, મજુરો, નાના દુકાનદારો અને વ્યાપારીઓને પણ મદદ મળશે. ન્યાય યોજનાથી બેરોજગાર યુવાનોને સૌથી વધારે મદદ મળશે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે મેં આ યોજનાને ન્યાય નામ આપ્યું છે કારણ કે, ચોકીદાર નરેન્દ્ર મોદીએ છેલ્લા પાંચ વર્ષોમાં ભારતના બધા જ લોકો સાથે અન્યાય જ કર્યો છે. તેમણે ખેડૂતો માટે જુદો બજેટ રજુ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો ર૦૧૯માં બે બજેટ રજૂ થશે એક સામાન્ય બજેટ અને બીજુ ખેડૂત બજેટ. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેવું ન ચૂકવી શકવાના કારણે કોઈપણ ખેડૂતને જેલમાં નહીં જવું પડે.